Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
અયૂબ
1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
2 “અરે, મારી વિપત્તિઓનો તોલ થાય,
અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!
3 કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય.
તેથી મારું બોલવું અવિચારી હતું.
4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે,
અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે;
ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.
5 શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે?
અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?
6 શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય?
અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?
7 હું તેને અડકવા માગતો નથી;
તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે.
8 અરે, જો મારી વિનંતી સફળ થાય;
અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે!
9 એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે,
અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!
10 તેથી હજીયે મને દિલાસો થાય.
હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું,
કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.
11 મારું બળ શું છે કે હું સહન કરું?
અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે?
શું મારું શરીર પિત્તળનું છે?
13 શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી,
શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?
14 નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ;
રખેને તે સર્વશક્તિમાનનો ભય ત્યજી દે.
15 પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે.
એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,
16 જેઓ બરફના કારણે કાળાં દેખાય છે.
અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.
17 તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે;
અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.
18 તેઓની પાસે કાફલા જાય છે
અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.
19 તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા,
શેબાના સંઘે તેઓની રાહ જોઈ.
20 પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા.
પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.
21 કેમ કે હવે તમે એવા જ છો;
મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો.
22 શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?’
અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?’
23 અથવા, ‘મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?’
કે, ‘જુલમીના હાથમાંથી મને છોડાવો?’
24 મને સમજાવો એટલે હું ચૂપ રહીશ;
અને મેં કરેલી ભૂલ મને બતાવો.
25 સત્ય વચન કેવાં અસરકારક હોય છે!
પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?
26 પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે.
તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?
27 હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો,
તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.
28 તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ,
કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
29 તો હવે કૃપા કરીને પાછા ફરો[a]; કંઈ અન્યાય થવો ન જોઈએ;
હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.
30 શું મારી જીભમાં અન્યાય છે?
શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”

<- અયૂબ 5અયૂબ 7 ->