Link to home pageLanguagesLink to all Bible versions on this site
41
યહોવાહ (ચાલુ)
1 શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને*લેવીયાથાન તેને પકડવાના આંકડાથી પકડી શકે છે?
અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?
2 શું તું તેના નાકને વીંધી શકે છે,
અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
3 શું તે તારી સમક્ષ આજીજી કરશે?
શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે,
તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે?
5 તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે?
શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?
6 શું માછીઓ તેનો પાર કરશે?
શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?
7 શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય
અથવા શું અણીદાર માછલીના કાંટાથી તેના માથામાં ભોંકી શકાય?
8 તારો હાથ તેના પર મૂકી જો,
ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.
9 જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે.
શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?
10 તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી.
તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?
11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે?
આખા આકાશ તળે એવો કોઈ નથી.
12 તેના અવયવો, તેનું બળ,
અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.
13 તેના વસ્ત્રને કોણ ઉતારી શકે છે?
કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે?
14 તેના દાંત જે લોકોને બીવડાવે છે,
એવા દાંતવાળા તેના મુખના દરવાજા કોણ ખોલી શકે?
15 તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે,
તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સજ્જડ છે.
16 તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે,
કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી.
17 તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે;
તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ.
18 તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે;
તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે.
19 તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે,
અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.
20 ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક,
તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.
21 તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે;
તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.
22 તેની ગરદનમાં બળ છે,
તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે
23 તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે;
તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી.
24 તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી
નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.
25 જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સર્વ દેવો પણ તેનાથી ડરી જાય છે;
અને બીકને કારણે તેઓ ભાગી જાય છે.
26 જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી,
અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.
27 તેની આગળ લોખંડ ઘાસ જેવું,
અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
28 બાણ પણ તેને નસાડી શકતું નથી;
પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.
29 લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે;
અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
30 તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે;
અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
31 અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે;
તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.
32 તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે;
કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.
33 પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી,
તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.
34 “તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે;
તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે.”

<- અયૂબ 40અયૂબ 42 ->