Link to home pageLanguagesLink to all Bible versions on this site
35
અલિહૂ (ચાલુ)
1 અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
2 તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે?
તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
3 તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો?
મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
4 હું તને તથા તારા મિત્રોને,
જવાબ આપીશ.
5 ઊંચે આકાશમાં જો;
વાદળાં જો, જે તારા કરતાં કેટલા ઊંચા છે?
6 જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો?
જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?
7 જો તું ન્યાયી હોય, તો તું તેમને શું આપી દે છે?
તેઓને તારી પાસેથી શું મળવાનું છે?
8 તારી દુષ્ટતા બીજા માણસને નુકશાન કરે છે, જેમ તું પણ માણસ છે તેમ.
પણ તારા ન્યાયીપણાથી બીજા માણસનાં[a] દીકરાને ફાયદો થાય છે.
9 જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે;
તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે
10 પણ કોઈ એમ કહેતું નથી, ‘મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે,
જે મને રાત્રે ગાયન આપે છે,
11 જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં,
અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?’
12 તેઓ પોકાર કરે છે,
પણ દુષ્ટ માણસનાં અભિમાનને કારણે કોઈ તેમને સાંભળતું નથી.
13 નિશ્ચે ઈશ્વર દંભીઓની માંગણીઓ સાંભળશે નહિ;
સર્વશક્તિમાન ઈશ્વર તેઓ તરફ ધ્યાન આપશે નહિ.
14 તું કહે છે કે, તું તેમને જોતો નથી, ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે,
તારી સર્વ બાબતો તેમની સમક્ષ છે માટે તું તેમની રાહ જો!
15 તું કહે છે કે, ઈશ્વર કોઈને ક્રોધમાં સજા કરતા નથી ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે.
અને તેઓ લોકોના અભિમાનની કદર કરતા નથી.
16 “તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે;
અને તે અજ્ઞાની શબ્દો ઉચ્ચારે છે.”

<- અયૂબ 34અયૂબ 36 ->