Link to home pageLanguagesLink to all Bible versions on this site
27
અયૂબ (ચાલુ)
1 અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
2 “ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે,
સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
3 જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી,
ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
4 નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે;
મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
5 હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો;
હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.
6 હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ
મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.
7 મારા શત્રુને દુષ્ટની જેમ;
મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.
8 જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે,
તો પછી તેને શી આશા રહે?
9 જયારે તેના પર દુ:ખ આવી પડશે
ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?
10 શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે.
અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?
11 ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ.
સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.
12 જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે;
છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો?
સોફાર (ચાલુ)
13 ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો,
તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે.
અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે.
અને તેઓની*તેની વિધવા શોક કરશે નહિ.
16 જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે,
અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે,
17 તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે,
અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે.
18 કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ,
તે પોતાનું ઘર બાંધે છે.
19 તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ;
પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.
20 રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે;
રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.
21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે;
તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.
22 કેમ કે તે વાયુઈશ્વર તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ;
તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.
23 તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે;
તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.

<- અયૂબ 26અયૂબ 28 ->