Link to home pageLanguagesLink to all Bible versions on this site
23
અયૂબ
1 ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
2 “આજે પણ મારી ફરિયાદ કડવી છે;
મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
3 અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું!
અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
4 હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત
અને મારું મોઢું દલીલોથી ભરત.
5 મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.
અને તે મને જે કહેત તે હું સમજત.
6 શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે?
ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.
7 ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે.
પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.
8 જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી.
હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
9 ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી.
જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.
10 પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે;
મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.
11 મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે;
મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.
12 તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી;
મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.
13 પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે?
તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.
14 તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે.
અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
15 માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું.
જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
16 ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે;
અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
17 કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે,
ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.

<- અયૂબ 22અયૂબ 24 ->