Link to home pageLanguagesLink to all Bible versions on this site
19
અયૂબ
1 ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,
2 “તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો?
અને શબ્દોથી મને કચડ્યા કરશો?
3 આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે;
મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
4 જો મેં પાપ કર્યુ પણ હોય,
તો તે મારી ભૂલ મારી પાસે રહી.
5 જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય,
અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;
6 તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે
તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.
7 જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી;
હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.
8 ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી,
તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
9 તેમણે મારો વૈભવ છીનવી લીધો છે,
મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
10 તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે;
મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.
11 વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે;
તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.
12 તેનું આખું સૈન્ય મારી સામે આવે છે;
તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે.
અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
13 તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે;
મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.
14 સગાં વહાલાંઓએ મને તજી દીધો છે.
મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.
15 મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે.
તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.
16 હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી
જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.
17 મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે;
મારા સગા ભાઈઓ અને બહેનો*મારા સંતાનોમારે આજીજી કરવી પડે છે.
18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;
જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
19 મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે;
મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.
20 મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે.
માંડમાંડ મારો જીવ બચ્યો છે.
21 હે મારા મિત્રો, મારા પર દયા કરો,
કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
22 શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો;
મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?
23 અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે!
અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!
24 અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી,
સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!
25 હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે.
અને આખરે તે પૃથ્વીમાટી, કબર પર ઊભા રહેશે;
26 મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ,
હું મારા ઈશ્વરને જોઈશ.
27 તેમને હું પોતાની જાતે જોઈશ;
મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ
મારું હૃદય નિર્બળ થાય છે.
28 જો તમે કહો, ‘અમે તેને કેવો સતાવીશું,’
કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,’
29 તો તલવારથી તમે બીહો,
કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે,
તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.”

<- અયૂબ 18અયૂબ 20 ->