Link to home pageLanguagesLink to all Bible versions on this site
બીજો સંવાદ
15
15:1-21:34
અલિફાઝ
1 પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,
2 “શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે
અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
3 શું તે નિરર્થક વાત વડે કે,
હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?
4 હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે.
તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,
5 કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે.
અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.
6 મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે;
હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
7 શું તું આદિ પુરુષ છે?
શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
8 શું તેં ઈશ્વરના ગૂઢ ડહાપણ વિષે સાંભળ્યું છે ખરું?
શું તેં બધી બુદ્ધિ તારા પોતાનામાં સમાવી રાખી છે?
9 અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે?
અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે?
10 અમારામાં પળીયાંવાળા તથા વૃદ્ધ માણસો છે,
જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉંમરના પુરુષો છે.
11 શું ઈશ્વરના દિલાસા,
તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતમાં નથી.?
12 તારું હૃદય તને કેમ દૂર લઈ જાય છે?
તારી આંખો કેમ મિચાય છે?
13 તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે.
અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે?
14 શું માણસ પવિત્ર હોઈ શકે?
સ્ત્રીજન્ય માનવી ન્યાયી હોઈ શકે?
15 જો, તે પોતાના સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.
હા, તેમની દ્રષ્ટિમાં તો આકાશો પણ શુદ્ધ નથી;
16 તો જે ધિક્કારપાત્ર, અધમ,
તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય!
17 હું તમને બતાવીશ; મારું સાંભળો;
મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ.
18 તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે,
તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી.
19 કેવળ આ તેઓના પિતૃઓને જ ભૂમિ આપવામાં આવી હતી.
અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નથી.
20 દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે,
તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે.
21 તેનાં કાનમાં ભયનો અવાજ ગૂંજે છે;
આબાદીને સમયે લૂંટનાર તેના પર હુમલો કરશે.
22 તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ;
તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે.
23 તે ખોરાક માટે એમ કહીને ભટકે છે કે, તે ક્યાં છે?
તે જાણે છે કે અંધકારનાં દિવસો નજીક છે.
24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;
યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
25 કેમ કે તેણે ઈશ્વરની સામે પોતાનો હાથ ઉઠાવ્યો છે
અને સર્વશક્તિમાન ઈશ્વરની સામે તે અહંકારથી વર્તે છે.
26 દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને,
મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે
27 આ સાચું છે, જો કે તેણે પોતાનું મુખ તેના શરીરની ચરબીથી ઢાંક્યું છે
અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝ્યાં છે.
28 તે ઉજ્જડ નગરોમાં
જે ઘરમાં કોઈ રહે નહિ એવાં,
તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે.
29 તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ.
તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.
30 તે અંધકારમાંથી બચશે નહિ;
જ્વાળાઓ તેની ડાળીઓને સૂકવી નાખશે;
અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે.
31 તેણે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઈએ નહિ;
કેમ કે તેને કંઈ મળશે નહિ.
32 તેના જીવનનો અંત આવે તે પહેલાં ભરપૂરી પામશે,
અને તેની ડાળીઓ લીલી નહિ રહેશે.
33 દ્રાક્ષના વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો પાડી નાખશે;
અને જૈતૂનના વૃક્ષની જેમ તેનાં ફૂલ ખરી પડશે.
34 કેમ કે ઢોંગી લોકોનો સંગ નિષ્ફળ થશે;
રુશવતખોરોનાં ઘરો અગ્નિથી નાશ પામશે.
35 દુષ્ટ લોકો નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અને અન્યાયને જન્મ આપે છે;
તેઓનું પેટ ઠગાઈને સિદ્ધ કરે છે.”

<- અયૂબ 14અયૂબ 16 ->