14
અયૂબ (ચાલુ)
1 સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે,
અને તે સંકટથી ભરપૂર છે.
2 તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે;
વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.
3 શું એવા પર તમે લક્ષ આપો છો?
શું મને તમારો પ્રતિવાદી બનાવો છો?
4 જો અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું? પણ એવું બનવું અશક્ય છે.
5 તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે,
તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.
તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.
6 તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે.
જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે.
7 ઝાડને માટે પણ આશા છે;
જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે,
અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.
8 જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય,
અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય.
9 છતાંપણ તેને પાણી મળવાથી તે ખીલશે,
અને રોપાની જેમ તેને ડાળીઓ ફૂટશે.
10 પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે;
હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?
11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે,
અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે
12 તેમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી
આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી તે જાગશે નહિ.
13 તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો,
અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો;
અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું!
14 જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે?
જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી
હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ.
15 તમે મને બોલાવો અને હું તમને ઉત્તર આપીશ.
તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત.
16 તમે મારાં પગલાંને ગણો છો;
શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?
17 મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે.
તમે મારા અન્યાયને ઢાંકી દો છો.
18 નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે,
અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
19 પાણી પથ્થરોને ઘસી નાખે છે;
પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે.
અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.
20 તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે;
તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.
21 તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી;
તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે.
22 તેના શરીરમાં વેદના થાય છે;