Link to home pageLanguagesLink to all Bible versions on this site
13
અયૂબ (ચાલુ)
1 જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે;
મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.
2 તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું;
તમારાથી હું કંઈ કાચો નથી.
3 નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું,
હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
4 પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો;
તમે બધા ઊંટવૈદ જેવા છો.
5 તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું!
કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
6 હવે મારી દલીલો સાંભળો;
મારા મુખની અરજ પર ધ્યાન આપો.
7 શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો,
અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
8 શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો?
શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
9 તે તમારી ઝડતી લે તો સારું,
અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
10 તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો,
તો ઈશ્વર તમને ઠપકો આપશે.
11 શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે?
અને તેમનો ભય તમારા પર નહિ આવે?
12 તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે;
અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
13 છાના રહો, મને નિરાંતે બોલવા દો,
મારા પર જે થવાનું હોય તે થવા દો.
14 મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ.
હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
15 જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ;
તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
16 ફક્ત એ જ મારું તારણ થઈ પડશે.
કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
17 મારી વાત તમે ધ્યાનથી સાંભળો.
મારા બોલવા પર કાન દો.
18 હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે.
અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે?
જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
20 હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો,
અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
21 તમારો હાથ મારા પરથી ખેંચી લો,
અને તમારા ભયથી મને ન ગભરાવો.
22 પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું;
અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
23 મારાં પાપો અને અન્યાયો કેટલા છે?
મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
24 શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો?
શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
25 શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો?
શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
26 તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો;
અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
27 તમે મારા પગમાં બેડીઓ બાંધો છો;
તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો,
તમે મારાં પગલાં તપાસો છો;
28 જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું,
તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.

<- અયૂબ 12અયૂબ 14 ->