Link to home pageLanguagesLink to all Bible versions on this site

અયૂબ
લેખક
અયૂબનું પુસ્તક કોણે લખ્યું તે ખરેખર કોઈ જાણતું નથી. લેખકની ઓળખ આપવામાં આવી નથી. સંભવિત છે કે તેના એક કરતાં વધારે લેખકો હતા. એ પણ શક્ય છે કે અયૂબનું પુસ્તક બાઇબલનું સૌથી જૂનું પુસ્તક છે. અયૂબ એક સારો અને પવિત્ર માણસ હતો કે જેણે અસહ્ય દુઃખો સહન કર્યા અને તેણે તથા તેના મિત્રોએ અયૂબ પર આવી આપત્તિઓ કેમ આવી હશે તે સમજવા પ્રયાસ કર્યો હતો. આ પુસ્તકનાં ચાવીરૂપ પાત્રોમાં અયૂબ, અલીફાઝ તેમાની, બિલ્દાદ શૂહી, સોફાર નામઆથી અને અલીહૂ બૂઝીનો સમાવેશ થાય છે.
લખાણનો સમય અને સ્થળ
અજ્ઞાત મોટા ભાગનું પુસ્તક એવા ચિહ્નો પ્રદર્શિત કરે છે કે તે ઘણા સમય બાદ એટલે કે દેશનિકાલના સમયે અથવા તો તેના થોડા જ સમય પછી લખાયું હતું અને એલીહૂ વિશેના અધ્યાયો તો વધારે પાછળથી લખાયા હોય શકે.
વાંચકવર્ગ
પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો. એવું માનવામાં આવે છે કે અયૂબના પુસ્તકનાં મૂળ વાંચકો મિસરની ગુલામગીરીમાં સબડતા ઇઝરાયલના સંતાનો હતા અને જ્યારે તેઓ મિસરના લોકો હેઠળ દુઃખો સહન કરતા હતા ત્યારે મૂસાએ તેઓને દિલાસો આપવા તે લખ્યું હતું.
હેતુ
અયૂબનું પુસ્તક આપણને નીચેની બાબતો સમજવા મદદ કરે છે: શેતાન આર્થિક અને શારીરિક નાશ કરી શકતો નથી અને તે શું કરી શકે અને શું નહીં તેની પર ઈશ્વરને સત્તા છે. દુનિયાના બધા જ દુઃખો પાછળનું “કેમ (કારણ)” સમજવું તે આપણી માનવીય ક્ષમતાની બહાર છે. દુષ્ટો વાજબી રીતે દુષ્ટતાનું ફળ ભોગવશે. કેટલીક વાર દુઃખોને આપણા જીવનોમાં શુદ્ધ કરવા, કસોટી કરવા, શીખવવા કે આપણા આત્માને મજબૂત કરવા આવવા દેવામાં આવે છે.
મુદ્રાલેખ
સહન કરવાના આશીર્વાદો
રૂપરેખા
1. પ્રસ્તાવના અને શેતાનનો હુમલો – 1:1-2:13
2. અયૂબની ત્રણ મિત્રો સાથેની દુઃખો વિષેની ચર્ચા – 3:1-31:40
3. એલીહૂની ઈશ્વરની ભલાઈ વિષેની ઘોષણા – 32:1-37:24
4. અયૂબને ઈશ્વરના સાર્વભૌમત્વનું પ્રકટીકરણ – 38:1-41:34
5. ઈશ્વર અયૂબને પુનઃસ્થાપિત કરે છે – 42:1-17

1
શેતાન અયૂબની કસોટી કરે છે
1 ઉસ દેશમાં એક માણસ હતો તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરની બીક રાખનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો. 2 તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી. 3 તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.

4 તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો. 5 તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!” અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો.

6 એક દિવસ દૂતો*ઈશ્વરના સંતાન યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો. 7 યહોવાહે શેતાનને પૂછ્યું, “તું ક્યાં જઈ આવ્યો? શેતાને યહોવાહને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું. 8 પછી યહોવાહે શેતાનને કહ્યું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરથી ડરનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.”

9 ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે, શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે? 10 શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. 11 પણ તમારો હાથ લંબાવીને તેની સંપત્તિને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચઢીને શ્રાપ આપશે.” 12 યહોવાહે શેતાનને કહ્યું, “જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.

અયૂબનાં સંતાનો અને સંપત્તિનો નાશ
13 એક દિવસે તેના દીકરાઓ અને તેની દીકરીઓ તેઓના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં તે સમયે, 14 એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, “બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં. 15 એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તલવારથી મારી નાંખ્યા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.”

16 તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.” 17 તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “ખાલદીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તલવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.”

18 તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં. 19 તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.”

20 પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી. 21 તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. જે મારી પાસે હતું તે યહોવાહે આપ્યું અને યહોવાહે તે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.” 22 એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ. અને ઈશ્વરને મૂર્ખપણે દોષ આપ્યો નહિ.

અયૂબ 2 ->