Link to home pageLanguagesLink to all Bible versions on this site
19
1 ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. 2 સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો; 3 તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી.

4 પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’ ” 5 ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાતે તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’ 6 જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’ ”

7 યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે. 8 તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો; 9 અને તેણે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.

10 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’ ” 11 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’ ”

12 આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે. 13 ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.

14 હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’ 15 ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’ ” 16 ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.

ઈસુને વધસ્તંભે જડ્યાં
માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂક 23:26-43

17 પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા. 18 તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.

19 પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’ ” 20 જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.

21 તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો. 22 પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’ ”

23 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો. 24 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

25 પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં. 26 તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’ 27 ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

ઈસુનું મૃત્યુ
માથ. 27:45-56; માર્ક 15:33-41; લૂક 23:44-49

28 તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’ ” 29 ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી. 30 ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.

ઈસુની કૂખ વીંધવામાં આવી
31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’ ” 32 એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં. 33 જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.

34 તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં. 35 જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.

36 કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું; 37 વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’ ”

ઈસુનું દફન
માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂક 23:50-56

38 આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો. 39 જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.

40 ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો. 41 હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો. 42 તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.

<- યોહાન 18યોહાન 20 ->