Link to home pageLanguagesLink to all Bible versions on this site
16
1 ‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

3 તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે. 4 પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.

પવિત્ર આત્માનું કાર્ય
5 પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી. 6 પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે. 7 તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

8 જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે; 9 પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી; 10 ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ; 11 ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.

12 હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી. 13 તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે. 14 તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે. 15 જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

ઈસુ ફરી પાછા આવશે
16 થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’ ”

17 એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’ ” 18 તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’ ”

19 તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો? 20 હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’ ” 21 જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.

22 હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી. 23 તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. 24 હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.

દુનિયા પર વિજય
25 એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.

26 તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ; 27 કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’ ”

29 તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી. 30 હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’ ” 31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?

32 જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. 33 મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’ ”

<- યોહાન 15યોહાન 17 ->