Link to home pageLanguagesLink to all Bible versions on this site
15
ઈસુ ખરો દ્રાક્ષાવેલો
1 ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે. 2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.

3 જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો. 4 તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.

5 હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. 6 જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે. 7 જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.

8 તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો. 9 જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.

10 જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.

12 મારી આજ્ઞા એ છે કે, ‘જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.’ ” 13 પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.

14 જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો. 15 હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.

16 તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. 17 તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.

દુનિયાનો તિરસ્કાર
18 જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19 જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે.

20 દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનોનું પાલન કર્યું તો તમારા પણ પાળશે. 21 પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી. 22 જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.

23 જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે. 24 જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે. 25 તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું.

26 પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27 તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.

<- યોહાન 14યોહાન 16 ->