4 તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ. 5 જ્યાં યહૂદીઓને નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંથી યહૂદિયામાં રહેવા માટે પાછા આવેલા યહૂદી લોકમાં જે બાકી રહેલા હતા તેઓ, 6 સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને રાજાના દીકરીઓને અને સર્વ લોક જેને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને જે માણસોને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સોંપ્યાં હતા, તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક, નેરિયાના દીકરા બારુખ એ બધાને લઈને કારેઆનો દીકરો યહોનાન તથા સૈન્યોના સર્વ સરદારો 7 મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ તાહપાન્હેસ પહોંચ્યા.
8 તાહપાન્હેસમાં યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે, 9 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળ ફરસબંધીમાં યહૂદાના દેખતાં એ મોટા પથ્થરને ચૂનાથી રંગી સંતાડી દે. 10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે; ‘જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સંદેશવાહક મોકલીને બોલાવીશ. જે પથ્થરો મેં સંતાડ્યા છે તેના પર હું તેનું રાજ્યાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો ભવ્ય મંડપ ઊભો કરશે.”
11 તે આવીને મિસર પર હુમલો કરશે; મરણને માટે નિર્માણ થયેલા તેઓ માર્યા જશે અને બંદીવાસને માટે નિર્માણ થયેલા બંદીવાસમાં જશે, તલવારને સારુ નિર્માણ થયેલા તેઓ તલવારથી માર્યા જશે. 12 હું મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરીશ, તે લોકોને બંદીવાન બનાવી લઈ જશે. જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશની લૂંટથી પોતાને શણગારશે. અને ત્યાંથી તે વિજયી બનીને પાછો જશે. 13 મિસરમાંના બેથ-શેમેશના સ્તંભોને તે તોડી પાડશે; અને મિસરનાં દેવસ્થાનોને આગ લગાડી બાળી મૂકશે.
<- યર્મિયા 42યર્મિયા 44 ->