Link to home pageLanguagesLink to all Bible versions on this site
42
પ્રાર્થના કરવા યર્મિયાને લોકોની વિનંતી
1 પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો દીકરો યોહાનાન અને હોશાયાનો દીકરો યઝાન્યા નાના તેમ જ મોટા બધા લોકો યર્મિયા પ્રબોધક પાસે ગયા. 2 તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારે સારુ એટલે આ બાકી રહેલાને સારુ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કર. 3 તમે યહોવાહ તમારા ઈશ્વરને એવી પ્રાર્થના કરો અમારે કયે માર્ગે ચાલવું અને શું કરવું તે કહે.”

4 તેથી યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું, મેં તમારું સાંભળ્યું છે. જુઓ, હું તમારી ઇચ્છા મુજબ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે હું તમને જણાવીશ અને કશું છુપાવીશ નહિ.” 5 ત્યારે તેમણે યર્મિયાને કહ્યું, “યહોવાહ અમારા સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ, કે જે કંઈ તારા ઈશ્વર યહોવાહ તમારી મારફતે અમને કહેશે તે મુજબ અમે પાલન કરીશું. 6 અમારા ઈશ્વર યહોવાહની પાસે તને મોકલીએ છીએ અમે તેમનું કહ્યું કરીશું, પછી ભલે તે સારું હોય કે ખરાબ હોય. અને એ પ્રમાણે અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માનવાથી અમારું હિત થાય.”

યર્મિયાની પ્રાર્થનાને પ્રભુનો પ્રત્યુત્તર
7 દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાની પાસે યહોવાહનું વચન આવ્યું. 8 ત્યારે યર્મિયાએ કારેઆના દીકરા યોહાનાનને, તેની સાથેના સર્વ સૈન્યોના સરદારોને તથા નાનામોટા બધા લોકોને બોલાવ્યા. 9 અને તેણે તેઓને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ પ્રાર્થના તથા નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો, એમ યહોવાહ કહે છે; 10 જો તમે આ દેશમાં નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ અને તોડી પાડીશ નહિ, તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ, કેમ કે તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે.

11 યહોવાહ કહે છે કે, બાબિલના રાજાથી તમે બીઓ છો પણ હવે જરાય બીશો નહિ, ‘કેમ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું. 12 હું તમારા પર એવી દયા કરીશ કે તે તમારા પર દયા કરશે અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.

13 પણ જો તમે કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ’ અથવા તમારા ઈશ્વર યહોવાહની વાણી અમાન્ય કરશો, 14 જો તમે એમ કહેશો કે, “ના, અમે તો મિસર જઈશું, ત્યાં અમારે લડાઈ જોવી નહિ પડે કે, રણશિંગડાનો નાદ સાંભળવો નહિ પડે અને ત્યાં અમે ભૂખ્યા રહીશું નહિ. ત્યાં અમે રહીશું.”

15 યહૂદિયાના બાકી રહેલા લોક યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જો તમે મિસર જવાની વૃત્તિ રાખશો અને ત્યાં જઈને રહેશો તો, 16 જે તલવારથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે. અને ત્યાં તમે મરી જશો. 17 તમારામાંથી જે લોકો મિસરમાં જઈને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઈ રહી છે. હા, તમે તલવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઈ પણ બચવા પામશે નહિ.

18 કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; જેમ મારો ક્રોધ અને રોષ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે તેમ તમે મિસર જશો ત્યારે મારો ક્રોધ તમારાં પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ શાપરૂપ તથા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરી જોવા પામશો નહિ.’ 19 હે યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાહ કહે છે કે, તમે મિસર જશો નહિ. મેં આજે તમને ચેતવણી આપી છે તેમ નિશ્ચે જાણજો.

20 કેમ કે તમે તમારાં હ્રદયોમાં કપટ કર્યું છે. ‘કારણ કે અમારા ઈશ્વર યહોવાહની આગળ અમારે માટે પ્રાર્થના કર. અને જે કંઈ અમારા ઈશ્વર યહોવાહ કહે છે તે તું અમને કહેજે અને અમે તે કરીશું.’ 21 આજે મેં તમને તે જણાવ્યું છે. પરંતુ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે. તેમાંની એક પણ બાબતમાં તમે યહોવાહનું સાંભળ્યું નથી. 22 અને તેથી તમે નિશ્ચે જાણજો કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તેમાં તમે તલવારથી, દુકાળથી અને મરકીથી મૃત્યુ પામશો.”

<- યર્મિયા 41યર્મિયા 43 ->