Link to home pageLanguagesLink to all Bible versions on this site
41
1 પણ એમ બન્યું કે સાતમા મહિનામાં અલિશામાનો દીકરો નથાન્યાનો દીકરો ઇશ્માએલ જે રાજવંશી હતો, તેમ જ રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહમાં અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવ્યો. તેઓએ સાથે મિસ્પાહમાં ભોજન કર્યું. 2 પછી નથાન્યાનો દીકરો ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસોએ ઊઠીને શાફાનના દીકરા અહિકામનો દીકરો ગદાલ્યા કે જેને બાબિલના રાજાએ દેશમાં અધિકારી નીમ્યો હતો તેને તલવારથી મારી નાખ્યો. 3 જે યહૂદીઓ ગદાલ્યા સાથે મિસ્પાહમાં હાજર હતા તેઓ સર્વેને તથા ત્યાં જે ખાલદીઓના યોદ્ધાઓ મળી આવ્યા તેઓને ઇશ્માએલે મારી નાખ્યા.

4 ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજા દિવસે, આ વાતની કોઈને ખબર પડે તે પહેલાં, 5 શખેમમાંથી, શીલોમાંથી તથા સમરુનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા અને પોતાના શરીરો પર પોતાને હાથે ઘા કરેલા એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા લોબાન લઈને યહોવાહના ઘરમાં આવ્યા હતા.

6 તેથી નથાન્યાનો દીકરો ઇશ્માએલ તેઓને મળવા મિસ્પાહમાંથી નીકળ્યો જ્યારે તેઓ રડતાં રડતાં જતા હતા. તે તેઓને મળ્યો ત્યારે તેણે તેઓને કહ્યું, “અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવો.” 7 તેઓ શહેરમાં આવ્યા ત્યારે નથાન્યાના દીકરા ઇશ્માએલે તથા તેની સાથેના માણસોએ તેઓને મારી નાખીને તેઓને ટાંકામાં ફેંકી દીધા.

8 પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ, કેમ કે ઘઉં, જવ, તેલ અને મધના ભંડારો અમે ખેતરમાં સંતાડેલા છે.” તેથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેઓને તેઓના સાથીઓની જેમ મારી ન નાખ્યા. 9 ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓ સર્વના મૃતદેહો તેણે એક ટાંકામાં નાખ્યા હતા, તે ટાંકું નથાન્યાના દીકરા ઇશ્માએલે મૃતદેહોથી ભર્યું હતું. અને તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી રક્ષણ મેળવવા બંધાવ્યું હતું.

10 પછી મિસ્પાહમાંના જે લોકો બાકી રહેલા હતા તેઓ સર્વને ઇશ્માએલ કેદ કરીને લઈ ગયો, એટલે રાજાની કુંવરીઓ તથા મિસ્પાહમાં બાકી રહેલા લોકો જેઓને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને અહિકામના દીકરા ગદાલ્યાના તાબામાં સોપ્યા હતા. એ સર્વને નથાન્યાનો દીકરો ઇશ્માએલ કેદ કરીને લઈ ગયો અને તે આમ્મોનીઓ તરફ જવા આગળ વધ્યો.

11 પરંતુ નથાન્યાના દીકરા ઇશ્માએલે જે સર્વ ભૂંડાં કાર્યો કર્યા હતાં, તે વિષે જ્યારે કારેઆના દીકરા યોહાનાને અને તેની સાથેના સૈન્યના સર્વ અધિકારીઓએ સાંભળ્યું, 12 ત્યારે તેઓ પોતાના સર્વ માણસોને લઈને નથાન્યાના દીકરા ઇશ્માએલની સામે યુદ્ધ કરવા માટે ગયા. અને ગિબ્યોનમાં જ્યાં પુષ્કળ પાણી છે ત્યાં તે તેઓને મળ્યો.

13 હવે ઇશ્માએલ સાથેના બધા માણસો કારેઆના દીકરા યોહાનાનને અને તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને જોઈને પ્રસન્ન થયા. 14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઈ ગયો હતો તેઓ સર્વ તેને છોડીને કારેઆના દીકરા યોહાનાનની સાથે ગયા.

15 પરંતુ નથાન્યાનો દીકરો ઇશ્માએલ આઠ માણસો સાથે યોહાનાનથી છટકી ગયો અને આમ્મોનીઓ પાસે ગયો. 16 પણ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અહિકામના દીકરા ગદાલ્યાને મારી નાખ્યા પછી બાકી રહેલા લોકોને યોહાનાને મિસ્પાહમાં ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા. એટલે કે જે લડવૈયા પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ખોજાઓને તે ગિબ્યોનમાંથી પાછાં લઈ આવ્યો હતો તેઓને કારેઆના દીકરા યોહાનાન તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારો પોતાની સાથે લઈ ગયા.

17 તેઓએ મિસરમાં જતાં ખાલદીઓના ડરને કારણે બેથલેહેમ પાસે કિમ્હામમાં મુકામ કર્યો. 18 કેમ કે બાબિલના રાજાએ દેશના હાકેમ તરીકે નીમેલા અહિકામના દીકરા ગદાલ્યાને નથાન્યાના દીકરા ઇશ્માએલે મારી નાખ્યો હતો, તેથી તેઓ તેમનાથી બીતા હતા.

<- યર્મિયા 40યર્મિયા 42 ->