Link to home pageLanguagesLink to all Bible versions on this site
39
યરુશાલેમનું પતન
1 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સાર તથા તેના સર્વ સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરીને તેને ઘેરો ઘાલ્યો. 2 સિદકિયાના શાસનના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ નગરની બધી દીવાલોને તોડી નાખીને ભંગાણ પાડ્યું. 3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યા અને વિજય પ્રાપ્ત કરીને નગરના વચલા દરવાજામાં બેઠા, ત્યારે નેર્ગાલ-શારેસર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ વગેરે રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા.

4 જયારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા લડવૈયાઓએ તેને જોયો, ત્યારે તેઓ નાસી ગયા અને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને અરાબા તરફ આગળ વધ્યા. 5 પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઈ ગયા અને તેણે તેનો ઇનસાફ કર્યો.

6 પછી બાબિલના રાજાએ રિબ્લાહમાં સિદકિયાની નજર સામે તેના દીકરાઓનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા. 7 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.

8 ખાલદીઓએ રાજાના મહેલને અને લોકોનાં ઘરોને બાળી મૂક્યાં અને યરુશાલેમની દીવાલ તોડી નાખી. 9 નગરમાં બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યા હતા તેઓને રક્ષકટુકડીનો નાયક નબૂઝારઅદાન બંદીવાન કરીને બાબિલમાં લઈ ગયો. 10 જે ગરીબ લોકોની પાસે કશું જ નહોતું, તેઓમાંના કેટલાકને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને યહૂદિયા દેશમાં રહેવા દીધા, તેઓને દ્રાક્ષવાડીઓ અને ખેતરો આપ્યાં.

યર્મિયાનો છુટકારો
11 હવે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાનને યર્મિયા વિષે આજ્ઞા આપી કહ્યું કે, 12 તેને લઈ જા અને તેની સંભાળ રાખ. તેને ઈજા ન કર. તે તને જે કંઈ કરવા કહે તે પ્રમાણે તું કરજે.” 13 તેથી રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન તથા નબૂશાઝબાન. રાબ-સારીસ, નેર્ગાલ-શારેસર, રાબ-માગ અને બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોઓએ માણસો મોકલ્યા. 14 તેઓએ યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢ્યો. અને તેને ઘરે લઈ જવા સારુ શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સ્વાધીન કર્યો, આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.
એબેદ-મેલેખને બચાવનું વચન
15 જયારે યર્મિયાને ચોકીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે યહોવાહનું વચન તેની પાસે આ પ્રમાણે આવ્યું કે, 16 તું જઈને કૂશી એબેદ-મેલેખને કહે કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; મેં કહ્યા પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું તેનાં શહેર પર આફત ઉતારનાર છું.

17 પણ યહોવાહ કહે છે તે દિવસે હું તને ઉગારી લઈશ. અને તું જેમનાંથી ડરે છે તે માણસોના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. 18 કેમ કે હું તને નિશ્ચે બચાવીશ, તું તલવારથી મરશે નહિ, તારો જીવ તારી પોતાની લૂંટ થશે, કેમ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો છે.” એમ યહોવાહ કહે છે.

<- યર્મિયા 38યર્મિયા 40 ->