Link to home pageLanguagesLink to all Bible versions on this site
38
યર્મિયા કાદવભર્યા ટાંકામાં
1 આ સર્વ વચનો માત્તાનના દીકરા શફાટયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે અને માલ્કિયાના દીકરા પાશહૂરે સાંભળ્યા. યર્મિયાએ લોકોને કહ્યું કે, 2 “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘જે કોઈ આ નગરમાં રહેશે તે તલવાર, દુકાળ કે મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે બચવા પામશે, અને તેનો જીવ લૂંટ તરીકે ગણાશે. 3 વળી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; આ નગર બાબિલના રાજાના સૈન્યના હાથમાં જશે, અને તેઓ તેને જીતી લેશે.”

4 ત્યારે તે અધિકારીઓએ રાજાને કહ્યું કે, “આ માણસને મારી નાખવો જોઈએ, આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. તે આ લોકોનું હિત કરવા માગતો નથી પણ વિનાશ કરવા માગે છે.” 5 સિદકિયા રાજાએ કહ્યું, જુઓ તે તમારાં હાથમાં છે, કેમ કે રાજા તમારી ઇચ્છાને વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”

6 આથી એ લોકોએ યર્મિયાને પકડીને રાજાના દીકરા માલ્ખિયાની ચોકીના ટાંકામાં નાખ્યો, તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. તે ટાંકામાં પાણી નહોતું, પણ ફક્ત કાદવ હતો અને યર્મિયા કાદવમાં ખૂંપી ગયો.

7 હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે. 8 એવામાં એબેદ-મેલેખે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે આવી તેને કહ્યું કે, 9 મારા માલિક, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીના ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”

10 આ સાંભળીને રાજાએ કૂશી એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે “તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઈને જા. અને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને ટાંકામાંથી બહાર ખેંચી કાઢ.” 11 તેથી એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને રાજાના મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાક જૂનાં ફાટેલાં લૂગડાં તથા ચીંથરાં લઈને દોરડા વડે બાંધીને ટાંકામાં યર્મિયાને પહોંચાડ્યાં.

12 પછી કૂશી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું; આ જૂના ફાટેલાં વસ્ત્રો તથા સડેલાં ચીથરાં તારી બગલમાં મૂક.” એટલે યર્મિયા એ તેમ કર્યું. 13 પછી તેઓએ યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.

સિદકિયા રાજાએ માગેલી યર્મિયાની સલાહ
14 પછી સિદકિયા રાજાએ પ્રબોધક યર્મિયાને યહોવાહના ઘરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; “મારાથી કશું છુપાવીશ નહિ.” 15 યર્મિયાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તમે મને ખરેખર મારી તો નહિ નાખો ને? અને જો હું સલાહ આપું તો પણ તમે મારું સાંભળવાના નથી.” 16 ત્યારે સિદકિયા રાજાએ ગુપ્તમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોના યહોવાહના સમ ખાઈને કહું છું કે, હું તને મારી નાખીશ નહિ કે તારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તને સોંપીશ નહિ.”

17 એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જો તમે બાબિલના રાજાના અધિકારીઓની શરણે જશો, તો તમે જીવતા રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિ. 18 પરંતુ જો તમે બાબિલના રાજાના અધિકારીઓનાં શરણે નહિ જાઓ, તો આ નગર ખાલદીઓની હાથમાં સોંપાશે. તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓના હાથમાંથી બચવા નહિ પામો.”

19 એટલે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “પણ જે યહૂદીઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે તેઓની મને બીક લાગે છે. કદાચ મને તેઓનાં હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મારી મશ્કરી કરે.”

20 યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો કે, “તમને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તમે કેવળ યહોવાહને આધીન થશો તો તમારો જીવ બચી જશે અને તમારું હિત થશે. 21 પરંતુ જો તમે ત્યાં જવાની ના પાડશો, તો યહોવાહે જે વચન મને જણાવ્યું તે આ છે.

22 યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓને બાબિલના રાજાના સરદારો પાસે પકડીને લઈ જવામાં આવશે. તેઓ કહેશે કે,

તારા મિત્રોએ તને છેતર્યો છે; તેઓ તારા પર ફાવી ગયા છે.
તમારા પગ કાદવમાં ફસાઈ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.

23 તેઓ તમારી સ્ત્રીઓને અને તમારાં બાળકોને ખાલદીઓ સમક્ષ લઈ જશે. અને તમે પોતે પણ બચવા નહિ પામો; પણ બાબિલના રાજાના હાથમાં પકડાઈ જશો. અને તું આ નગરને બાળી નંખાવીશ.”

24 એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનો કોઈને કહીશ નહિ જેથી તું મરણ ન પામે. 25 જો અધિકારીઓને ખબર પડે કે, મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તને આવીને પૂછે કે, અમને કહે કે તેં રાજા સાથે શી વાત કરી છે. અમારાથી તે ગુપ્ત નહિ રાખશે, તો અમે તને મારી નાખીશું નહિ.’ 26 છતાં તું કેવળ એટલું જ કહેજે કે, રાજા મને યહોનાથાનના ઘરમાં મરવાને પાછો મોકલે નહિ તેવી દીન વિનંતી મેં રાજાને કરી હતી.”

27 પછી સર્વ અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેને પૂછ્યું અને જે સર્વ વચનો કહેવાનું રાજાએ તેને ફરમાવ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેઓને કહ્યું. તેઓએ તેને પૂછવાનું બંધ કર્યું. કેમ કે તેઓએ રાજા તથા યર્મિયાની વાતચીત સાંભળી નહોતી. 28 તેથી યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીમાં રહ્યો.

<- યર્મિયા 37યર્મિયા 39 ->