4 વળી તું તેઓને કહેજે, યહોવાહ કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે તે મુજબ ચાલવાને, 5 મારા સેવકો, પ્રબોધકો જેઓને હું આગ્રહથી તમારી પાસે મોકલું છું તેઓના વચનો તમે સાંભળશો નહિ, 6 તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’ ”
7 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાહના ઘરમાં આ વચનો બોલતો સાંભળ્યો. 8 યહોવાહે સર્વ લોકની આગળ યર્મિયાને જે પ્રમાણે બોલવાની આજ્ઞા આપી હતી તે સર્વ મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરું કર્યુ કે તરત જ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામીશ! 9 તેં શા માટે યહોવાહના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ સભાસ્થાનની હાલત શીલો જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઈ જશે?” પછી સર્વ લોકો યહોવાહના ઘરમાં યર્મિયાની પાસે એકઠા થયા.
10 આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજાના મહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાહના ભક્તિસ્થાનના નવા પ્રવેશદ્વાર આગળ બેસી ગયા. 11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઈએ, કેમ કે તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે જેમ તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે!” 12 ત્યારે યર્મિયાએ સર્વ અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ નગર તથા સભાસ્થાનની વિરુદ્ધ ભવિષ્યવાણી જે તમે સાંભળી છે તે કહેવા માટે યહોવાહે મને મોકલ્યો છે.
13 માટે હવે, તમારાં આચરણ અને કૃત્યો સુધારો અને તમારા ઈશ્વર યહોવાહનું કહ્યું સાંભળો, તો કદાચ તમારા પર જે વિપત્તિ લાવવા યહોવાહ બોલ્યા છે તે વિષે તેઓ પશ્ચાતાપ કરે. 14 પણ જુઓ, હું તો તમારા હાથમાં છું. તમને જે યોગ્ય અને સારું લાગે તે મને કરો. 15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”
16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. કેમ કે તે આપણા ઈશ્વર યહોવાહને નામે બોલ્યો છે.” 17 પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને.
18 તેઓએ કહ્યું, “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મીખાહ મોરાશ્તી ઈશ્વરનાં વચન કહેતો હતો અને તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે સૈન્યોના યહોવાહ કહે છે કે; “સિયોન ખેતરની જેમ ખેડાઈ જશે અને યરુશાલેમ ખંડેરનો ઢગલો થઈ જશે. અને સભાસ્થાનનો પર્વત વનનાં ઉચ્ચસ્થાન જેવો થશે.” 19 ત્યારે યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધા લોકોએ આ માટે તેને મારી નાખ્યો હતો કે? શું તેને યહોવાહનો ડર નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાહને વિનંતી કરી નહોતી? આને કારણે યહોવાહ તેઓના પર જે વિપત્તિ લાવવાને બોલ્યા હતા, તે વિષે તેમને પશ્ચાતાપ થયો. જો આપણે યર્મિયાને મોતની સજાને પાત્ર ઠરાવીએ તો શું આપણે જ આપણા પર મોટી આફત નહિ નોતરીએ?”
20 વળી કિર્યાથ-યારીમનો એક વતની એટલે શમાયાનો દીકરો ઉરિયા, યહોવાહને નામે ભવિષ્ય કહેતો હતો. તેણે આ નગર તથા દેશની વિરુદ્ધ યર્મિયાનાં સર્વ વચનો પ્રમાણે ભવિષ્ય કહ્યું. 21 પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા સૈનિકો અને અધિકારીઓએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.
22 ત્યારે યહોયાકીમ રાજાએ આખ્બોરના દીકરા એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા. 23 તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઈ આવ્યા અને તેણે તેને મારી નંખાવ્યો અને તેના મૃતદેહને હલકા કહેવાતા લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધો. 24 પરંતુ શાફાનના દીકરા અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા સારુ લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.
<- યર્મિયા 25યર્મિયા 27 ->