Link to home pageLanguagesLink to all Bible versions on this site
21
યરુશાલેમના પરાજયની ભવિષ્યવાણી
1 યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું, જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના દીકરા પાશહૂરને તથા માસેયા યાજકના દીકરા સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે, 2 “કૃપા કરીને તું યહોવાહને અમારી તરફથી પૂછ, કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધ કરે છે કદાચ યહોવાહ પોતાનાં સર્વ અદ્દ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે જેથી તે રાજાને પાછા જવું પડે.”

3 ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું કે, સિદકિયાને જઈને આ પ્રમાણે કહેજો કે, 4 ‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; “જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે કોટની બહાર તથા બાબિલના રાજાની સાથે ઘેરો ઘાલનાર ખાલદીઓ સામે લડો છો તે હું પાછાં ફેરવીશ. તેઓને આ નગરની મધ્યમાં એકઠા કરીશ. 5 લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ક્રોધ તથા જુસ્સાથી તથા ભારે રોષથી હું જાતે તમારી સામે લડીશ.

6 આ નગરમાં રહેનારા માણસો તથા પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મૃત્યુ પામશે. 7 ત્યારબાદ યહોવાહ કહે છે કે હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોક આ નગરમાં મરકીથી, તલવારથી તથા દુકાળથી બચ્યા છે તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા જેઓ તેનો જીવ શોધે છે તેઓના હાથમાં સોંપીશ અને તે તેઓને તલવારથી મારી નાખશે. તેમના પર તે ક્ષમા, દયા કે કરુણા દર્શાવશે નહિ.

8 આ લોકને તારે કહેવું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ અને મરણનો માર્ગ બન્ને મૂકું છું. 9 જે કોઈ આ શહેરમાં રહેશે તે તલવારથી, દુકાળથી તથા મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ તેમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે. 10 કેમ કે આ નગરનું ભલું નહિ, પણ વિનાશ કરવાને મેં મારું મુખ ફેરવ્યું છે’ એમ યહોવાહ કહે છે. ‘તેને બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે બાળી દેવામાં આવશે.

યહૂદિયાના રાજ-વંશજો સામે ઇનસાફ
11 વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાહનું વચન સાંભળો.
12 હે દાઉદના ઘરના, યહોવાહ કહે છે કે; સવારે ન્યાય કરો,
જે માણસ જુલમીઓના હાથે લૂંટાઈ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવો,
રખેને તમારાં દુષ્ટ કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની પેઠે સળગી ઊઠશે તેને હોલવનાર કોઈ મળશે નહિ.
13 જુઓ, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી હું તારી વિરુદ્ધ છું” એમ યહોવાહ કહે છે
જે કોઈ કહે છે કે, કોણ મારા પર હુમલો કરી શકે એમ છે?” “અથવા કોણ અમારાં ઘરોમાં પ્રવેશી શકે એમ છે?’ તેઓની વિરુદ્ધ હું છું
14 હું તમારાં કૃત્યોનાં ફળ પ્રમાણે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે.
“હું તેના જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાની આસપાસની સર્વ વસ્તુઓને બાળી નાખશે.”

<- યર્મિયા 20યર્મિયા 22 ->