1 યહોવાહનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે કે, 2 “તું ઊઠીને કુંભારને ઘરે જા અને ત્યાં હું મારાં વચનો તને કહી સભળાવીશ.” 3 પછી હું કુંભારને ઘરે ગયો. અને જુઓ, તે ચાકડા પર કામ કરતો હતો. 4 પરંતુ માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, તેથી તેણે તેને સારું લાગે તેવા ઘાટનું એક બીજું વાસણ બનાવ્યું.
5 પછી યહોવાહનું વચન મારી પાસે એવું આવ્યું કે, 6 યહોવાહ એમ કહે છે કે, “હે ઇઝરાયલનાં સંતાનો આ કુંભાર જેમ કરે છે તેવું શું હું તમારી સાથે ન કરી શકું?” હે ઇઝરાયલના વંશજો “જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે તેવા તમે મારા હાથમાં છો. 7 જે સમયે હું કોઈ પ્રજા વિષે કે રાજય વિષે તેને ઉખેડી નાખવા, તોડી પાડવા કે નાશ કરવાને કહું, 8 તે સમયે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો હોઉં તે જો પોતાની દુષ્ટતાથી ફરે તો તેના પર આફત ઉતારવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.
9 વળી જે વખતે હું કોઈ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું. 10 પણ પછી તે પ્રજા મારું કહ્યું ન માનીને દુષ્ટતા કરે, તો મેં કહ્યું હતું તે પ્રમાણે તેઓનું હિત કરીશ નહિ.
11 તો હવે, યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહે કે, ‘યહોવાહ કહે છે કે; “જુઓ, હું તમારે માટે આફત લાવવાની તૈયારી કરી રહ્યો છું. અને હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે તમે દરેક પોતાના દુષ્ટ માર્ગેથી ફરો. અને પોતાનાં આચરણ અને કરણીઓ સુધારો.” 12 પણ તેઓ કહે છે કે, ‘હવે કોઈ આશા રહી નથી. તારો સમય વેડફીશ નહિ. તો હવે અમે પોતાની યોજના મુજબ ચાલીશું. અને અમે દરેક પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ મુજબ વર્તીશું.’ ”
પ્રજા યહોવાહને ત્યાગે છે
13 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “બધી પ્રજાઓમાં પૂછો, કોઈએ કદી આવું સાંભળ્યું છે?
15 પણ મારા લોકો મને ભૂલી ગયા છે. તેઓ મૂર્તિઓને નિરર્થક ધૂપ ચઢાવે છે. અને તેઓના માર્ગોમાં ઠોકર ખાધી છે;
પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલવા તેઓએ પોતાના પૂર્વજોના માર્ગોનો ત્યાગ કર્યો છે.
16 તેઓના દેશના હાલ ભયંકર થશે, લોકો સદા તેનો તિરસ્કાર કરશે.
જે કોઈ તેની પાસે થઈને જશે તે તેની દશા જોઈને વિસ્મય પામી માથું ધુણાવશે.
17 પૂર્વના પવનની જેમ વિખેરાઇ જતા હોય તેમ હું તેઓને શત્રુઓની આગળ વિખેરી નાખીશ.”
ફરી યર્મિયા સામે કાવતરું
18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”