Link to home pageLanguagesLink to all Bible versions on this site
17
યહૂદાનું પાપ અને પતન
1 યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા વજ્રકણીથી લખેલું છે.
તે તેઓના હૃદયપટ પર અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે
2 કેમ કે તેઓના લોકો દરેક ઊંચા પર્વતો પરનાં લીલા ઝાડ પાસે
તેઓની વેદીઓ તથા તેઓની અશેરીમ મૂર્તિઓનું સ્મરણ કરે છે,
3 તેઓ પોતાની વેદીઓ પર્વતો પર તથા સર્વ નગરમાં સ્મરણમાં લાવે છે. તમારી સર્વ સંપત્તિ તથા તારો ધનસંગ્રહ હું બીજાઓને આપી દઈશ.
કેમ કે તારાં પાપ તારી સર્વ સીમમાં છે.
4 મેં તમને જે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો.
હું અજાણ્યા દેશમાં તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ,
તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે અને તે સદાકાળ સળગતો રહેશે.
યહૂદાનું પાપ અને પતન
5 યહોવાહ આ પ્રમાણે કહે છે; જે પુરુષ, માણસ પર વિશ્વાસ રાખે છે;
અને મનુષ્યના બળ પર પોતાનો આધાર રાખે છે અને યહોવાહ તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે.
6 તે જંગલમાંની બોરડી જેવો થશે. અને હિત થશે ત્યારે તેના જોવામાં આવશે નહિ.
તે અરણ્યમાં સૂકી જગ્યાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે.
7 પરંતુ જે પુરુષ યહોવાહ પર વિશ્વાસ રાખે છે અને જેનો આધાર યહોવાહ છે તે આશીર્વાદિત છે.
8 તે પાણીની પાસે રોપેલા ઝાડ જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે
ગરમીમાં તેને કશો ડર લાગશે નહિ. તેનાં પાંદડાં લીલાં રહેશે.
દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા રહેશે નહિ. તે ફળ આપ્યા વગર રહેશે નહિ.
9 હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે?
10 હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું.
દરેકને હું તેના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપું છું.
11 જેમ તીતર પોતે મૂકેલાં નહી તેવાં ઈંડાંને સેવે છે, તેના જેવો અન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરનાર છે;
તેનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી તે દ્રવ્ય છોડીને જશે અને અંતે તે મૂર્ખ ઠરશે.”
12 પરંતુ અમારા સભાસ્થાનનું સ્થાન તે મહિમાવાન રાજ્યાસન, પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે.
13 યહોવાહ ઇઝરાયલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે; જેઓ તારાથી વિમુખ થશે તેઓનું નામ ભૂંસાઈ જશે
કેમ કે તેઓએ જીવનના પાણીના ઝરાનો એટલે યહોવાહનો ત્યાગ કર્યો છે.
યર્મિયા પ્રભુને વિનવે છે
14 હે યહોવાહ, મને સાજો કરો, તો હું સાજો થઈશ. મારો ઉદ્ધાર કરો એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારા સ્રોત્ત છો.
15 જુઓ, તેઓ મને પૂછે છે કે, યહોવાહનું વચન ક્યાં છે? તે મને સંભળાવો.”
16 હું તો તમારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠ્યો નથી. અને મેં દુઃખી દિવસની આશા રાખી નથી.
તમે જાણો છો જે મારે મુખેથી નીકળ્યું હતું તે તમારી હાજરીમાં બન્યું હતું.
17 તમે મને ભયરૂપ ન થાઓ. સંકટના સમયમાં તમે મારા આશ્રય છો.
18 જેઓ મારી પાછળ લાગ્યા છે તેઓ લજ્જિત થાઓ. પણ હું લજ્જિત ન થાઉં. તેઓ ગભરાય પણ હું ન ગભરાઉં.
તેઓના પર વિપત્તિના દિવસ લાવો. તેઓનો બમણો નાશ કરો.”
સાબ્બાથ પાળવા વિષે
19 યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જા અને જઈને દરવાજે ઊભો રહે, જ્યાંથી યહૂદિયાના રાજાઓ અંદર આવે છે. અને જેમાં થઈને તેઓ બહાર જાય છે. અને યરુશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે. 20 તેઓને કહે કે; ‘જેઓ આ દરવાજામાં થઈને અંદર જાય છે તે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાહનું વચન સાંભળો.

21 યહોવાહ આ પ્રમાણે કહે છે; “તમે પોતાના વિષે સાવચેત રહો, વિશ્રામવારને દિવસે કોઈ બોજો ઉપાડશો નહિ કે યરુશાલેમના દરવાજામાં થઈને અંદર લાવશો નહિ. 22 વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઈ કામ કરશો નહિ, પણ મેં તમારા પિતૃઓને આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો. 23 પણ તેઓએ સાંભળ્યું નહિ કે ઘ્યાન આપ્યું નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાભળ્યું નહિ કે શિખામણ માની નહિ.

24 યહોવાહ કહે છે, વિશ્રામવારને દિવસે આ નગરના દરવાજામાં થઈને પણ કોઈ બોજો અંદર ન લાવતાં પણ વિશ્રામવારને પવિત્ર માની તેમાં કોઈ કામ નહિ કરતાં જો તમે મારું સાંભળશો જ સાંભળશો, 25 તો આ નગરના દરવાજામાં થઈને દાઉદના સિંહાસન પર બિરાજનારા રાજાઓ રાજકુમારિકાઓ, રથોમાં અને ઘોડાઓ પર બેસીને તેઓ તથા તેઓના સરદારો અને યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના વતનીઓ અંદર આવશે અને આ નગર સદાકાળ ટકી રહેશે.

26 યહૂદિયાના નગરોમાંથી, યરુશાલેમની આસપાસની જગ્યાઓમાંથી, બિન્યામીનના શહેરોમાંથી, શફેલાથી તેમ જ પર્વતોમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનીયાર્પણ, બલિદાનો, ખાદ્યાર્પણ અને લોબાન તથા સ્તુત્યાર્પણ લઈને યહોવાહના ઘરમાં આવશે. 27 પરંતુ જો તમે વિશ્રામવારના દિવસને પવિત્ર માનવાનું તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડ્યા વગર અંદર પેસવાનું મારું વચન સાંભળશો નહિ, તો હું તેની ભાગળમાં અગ્નિ સળગાવીશ. તે યરુશાલેમના રાજમહેલોને બાળીને તેનો સંપૂર્ણ નાશ કરશે અને હોલવાશે નહિ.’ ”

<- યર્મિયા 16યર્મિયા 18 ->