Link to home pageLanguagesLink to all Bible versions on this site
21
બિન્યામીનપુત્રો માટે પત્નીઓ
1 ઇઝરાયલી પુરુષોએ મિસ્પામાં એવી પ્રતિજ્ઞા લીધી કે, “અમારામાંનો કોઈ પોતાની દીકરીને બિન્યામીન સાથે લગ્ન કરવા આપશે નહિ.” 2 પછી લોકો બેથેલમાં ઈશ્વરની સમક્ષ સાંજ સુધી બેઠા અને પોક મૂકીને રડ્યા. 3 તેઓએ પોકાર કર્યો, “શા માટે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, આજે ઇઝરાયલમાં એક કુળ કેમ ઓછું થયું?”

4 બીજે દિવસે લોકોએ વહેલા ઊઠીને ત્યાં એક વેદી બાંધી અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં. 5 ઇઝરાયલના લોકોએ કહ્યું, “ઇઝરાયલના સર્વ કુળોમાંથી કયું કુળ એવું છે કે જે ભરેલી સભામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું નથી?” કેમ કે મિસ્પામાં ઈશ્વરની હાજરીમાં જે કોઈ આવ્યું નહોતું તેના સંદર્ભમાં એવી ભારે પ્રતિજ્ઞા લઈને તેઓએ કહ્યું, “જે ઈશ્વરની સમક્ષ ન આવે તે ચોક્કસપણે માર્યો જાય.”

6 ઇઝરાયલ લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કર્યો. તેઓએ કહ્યું, “આજે ઇઝરાયલ કુળમાંથી એક કુળ નષ્ટ થાય છે. 7 જેઓ બાકી રહેલા છે તેઓને લગ્ન કરવાને કોણ પત્નીઓ આપશે? કેમ કે આપણે ઈશ્વરની આગળ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓને આપણી દીકરીઓ લગ્ન કરવા માટે આપીશું નહિ.”

8 તેઓએ કહ્યું, “ઇઝરાયલનાં કુળોમાંથી કયું કુળ મિસ્પામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું ન હતું?” એવું જાણવા મળ્યું છે કે યાબેશ ગિલ્યાદથી સભામાં ભાગ લેવા કોઈ આવ્યું ન હતું. 9 કેમ કે જયારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહિ. 10 સભામાંથી બાર હજાર શૂરવીર પુરુષોને એવી સૂચના આપીને મોકલવામાં આવ્યા કે યાબેશ ગિલ્યાદ જઈને ત્યાંના રહેવાસીઓનો, સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધાં તલવારથી સંહાર કરો.

11 “વળી તમારે આ પ્રમાણે કરવું: દરેક પુરુષને તથા દરેક સ્ત્રીને કે જેણે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેઓને મારી નાખો.” 12 અને યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંથી તેઓને ચારસો જુવાન કુમારિકાઓ મળી આવી કે જેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે સંસર્ગ કર્યો નહોતો, તેઓ તેમને કનાન દેશના શીલો પાસેની છાવણીમાં લાવ્યા.

13 સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનના લોકોને સંદેશો મોકલીને શાંતિ તથા સમાધાનની જાહેરાત કરી. 14 તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેશ ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી. 15 બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયલનાં કુળો વચ્ચે ભાગલા પાડયા હતા.

16 ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બાકી રહેલા બિન્યામીનીઓ માટે આપણે પત્નીઓની વ્યવસ્થા કેવી રીતે કરીશું? કેમ કે બિન્યામીનીઓમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે” 17 તેઓએ કહ્યું, “બિન્યામીનના બચાવને માટે વારસો જોઈએ, જેથી ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ ન થાય.

18 તોપણ આપણે તેઓની પત્નીઓ થવા આપણી દીકરીઓ આપી શકતા નથી. કેમ કે ઇઝરાયલ લોકોએ વચન આપ્યું છે, ‘જે કોઈ બિન્યામીનને પત્ની આપશે તે શાપિત થાઓ.’ ” 19 તેથી તેઓએ કહ્યું, “તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાહની દક્ષિણે આવેલુ હતું.” 20 તેઓએ બિન્યામીનીઓને એવી સૂચના આપી, “તમે ત્યાં જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહો અને રાહ જુઓ. 21 તે સમય ધ્યાન રાખો કે ક્યારે શીલોની કન્યાઓ નૃત્ય કરવાને બહાર આવે છે. તેઓ બહાર આવે ત્યારે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવીને તમે શીલોની કુમારિકાઓમાંથી પોતપોતાને માટે કન્યાને પકડી લઈ બિન્યામીનના દેશમાં પાછા જતા રહેજો.

22 અને જયારે તેઓના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું, “અમારા પર કૃપા કરો! તેમને રહેવા દો એવું માનોકે એ કન્યાઓ તમે જ આપી છે. કેમ કે યુદ્ધ દરમિયાન તેઓની પત્નીઓ મરણ પામી. અને તમે તમારા વચન સંબંધી નિર્દોષ છો, કારણ કે તમે તમારી દીકરીઓ તેઓને આપી નથી, નહિતો તમે દોષિત ગણાઓ.’ ”

23 બિન્યામીનપુત્રોએ એ પ્રમાણે કર્યું તેઓએ નૃત્ય કરનારી કન્યાઓમાંથી તેમને જરૂર હતી એટલી કન્યાઓનું હરણ કર્યું. અને તેઓને પોતાની પત્નીઓ બનાવવા માટે લઈ ગયા. તેઓ પાછા પોતાના પૂર્વજોના વતનમાં ચાલ્યા ગયા અને તેઓએ નગરોને સમારીને ફરીથી બાંધીને અને તેમાં વસ્યા. 24 પછી ઇઝરાયલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતી અને કુળમાં ગયા. અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.

25 તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા ન હતો. દરેક માણસ પોતાની નજરમાં તેને જે ઠીક લાગતું તે પ્રમાણે તે કરતો હતો.

<- ન્યાયાધીશો 20