Link to home pageLanguagesLink to all Bible versions on this site
19
એક લેવી અને એની રખાત
1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી. 2 પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.

3 તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો. 4 તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.

5 ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો.” 6 તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, “કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર.”

7 લેવી જવા માટે વહેલો ઊઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો, તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો. 8 પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, “પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા.” તેથી તેઓ બન્ને જમ્યાં. 9 પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.

10 પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ એટલે યરુશાલેમ પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી. 11 જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યાં, ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, “ચાલો, આપણે યબૂસીઓના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ.”

12 તેના માલિકે તેને કહ્યું, “આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી, જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહિ જઈએ. આપણે આગળ ચાલીને ગિબયા જઈશું.” 13 લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, “આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ.” 14 તેથી તેઓ આગળ જવાનું જારી રાખ્યું. જયારે બિન્યામીનના પ્રદેશના ગિબયા પાસે તેઓ પહોચ્યાં ત્યારે સૂર્યાસ્ત થયો. 15 તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.

16 પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા. 17 તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”

18 લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું. 19 અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”

20 વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, “તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ.” 21 તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.

22 તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.” 23 તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, “ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો” જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો.”

24 જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!” 25 પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહિ, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું, સવાર પડતાં તેઓએ તેને છોડી દીધી. 26 સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી.

27 જયારે તેનો પતિ સવારે ઊઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણાં ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણાં પાસે પડેલી હતી. 28 લેવીએ તેને કહ્યું, “ઊઠ. આપણે ચાલ્યા જઈએ.” પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો.

29 લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં. 30 જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, “ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો.”

<- ન્યાયાધીશો 18ન્યાયાધીશો 20 ->