Link to home pageLanguagesLink to all Bible versions on this site
14
સામસૂન તિમ્ના ગામની છોકરીના પ્રેમમાં
1 સામસૂન તિમ્ના નગરમાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી. 2 જયારે તે પાછો આવ્યો, ત્યારે તેણે પોતાનાં માતાપિતાને કહ્યું, “મેં એક સ્ત્રીને તિમ્નામાં જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની છે. મારી સાથે તેના લગ્ન કરાવો.”

3 પણ તેનાં માતાપિતાએ તેને કહ્યું, “શું આપણાં સગાંઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બેસુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે?” સામસૂને તેના પિતાને કહ્યું, “તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે.” 4 પણ તેનાં માતાપિતા જાણતાં નહોતા કે આ તો ઈશ્વરનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીઓ સાથે વિરોધ કરવા ઇચ્છતો હતો તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.

5 ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી. 6 ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.

7 તે ગયો અને તે સ્ત્રી સાથે વાતચીત કરી, જયારે તેણે તેની તરફ જોયું, તે સામસૂનને ખૂબ ગમી. 8 થોડા દિવસો પછી તે તેની સાથે લગ્ન કરી પાછો ફર્યો, ત્યારે તે સિંહનાં મુડદાને જોવા પાછો ફર્યો. અને ત્યાં સિંહના શરીરનો જે ભાગ બાકી પડેલો હતો તેના પર મધમાખીઓનું ટોળું તથા મધ હતું. 9 હાથમાં મધ લઈને તે ખાતા ખાતા ચાલ્યો. અને પોતાના માતાપિતા પાસે આવ્યો, ત્યારે તેણે તેઓને થોડું આપ્યું અને તેઓએ ખાધું. પણ તેણે તેઓને કહ્યું નહિ કે સિંહના શરીરનો જે ભાગ બાકી હતો તેના પરથી આ મધ કાઢી લાવ્યો છું.

10 જ્યાં તે સ્ત્રી હતી ત્યાં સામસૂનના પિતા ગયા અને સામસૂને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાન પુરુષોનો આ રિવાજ હતો. 11 સ્ત્રીના સંબંધીઓએ તેને જોયો, તેઓ તેમના બીજા ત્રીસ મિત્રોને તેની સાથે લઈ આવ્યા.

12 સામસૂને તેઓને કહ્યું, “હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના સાત દિવસોમાં તેનો જવાબ કહે, તો હું શણના ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો તેને આપીશ. 13 પણ જો તમે મને જવાબ નહિ કહો, તો તમારે મને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો આપવાં પડશે.” તેઓએ તેને કહ્યું, “અમને તારું ઉખાણું કહે, તેથી અમે તે સાંભળીએ.”

14 તેણે તેઓને કહ્યું, “ખાઈ જનારમાંથી, કંઈક ખોરાક નીકળ્યો; બળવાનમાંથી, કંઈક મીઠાશ નિકળી.”

પણ તેના મહેમાનો ત્રણ દિવસમાં ઉખાણાનો જવાબ આપી શક્યા નહિ.

15 ચોથા દિવસે*સાતમો દિવસ તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?”

16 સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, “તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી.” સામસૂને તેને કહ્યું, “અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?” 17 તેઓની ઉજાણીના સાતે દિવસો તેણે રડ્યા કર્યું, સાતમે દિવસે તેણે તેને જવાબ આપ્યો, કેમ કે તેણે તેને ખૂબ દબાણ કર્યું હતું. તેણે પોતાના સંબંધી લોકોને ઉખાણાનો જવાબ કહી દીધો.

18 અને નગરના લોકોએ તેને કહ્યું, “સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ નગરના લોકોએ તેને કહ્યું, “મધ કરતાં મીઠું શું છે? સિંહ કરતાં બળવાન શું છે?”

સામસૂને તેઓને કહ્યું, “જો તમે મારી વાછરડીસામસૂનની પત્નીથી ખેડ્યું ન હોત, તો તમે મારા ઉખાણાનો જવાબ શોધી શક્યા ન હોત.”

19 ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના ત્રીસ પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે ત્રીસ વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો. 20 સ્ત્રીના પિતાએ સામસૂનના એક સાથી કે જેણે તેના પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને સ્ત્રી તરીકે આપી.

<- ન્યાયાધીશો 13ન્યાયાધીશો 15 ->