Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
ધનવાનોને ચેતવણી
1 હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. 2 તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. 3 તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.

4 જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે. 5 તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે. 6 ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.

ધીરજ અને પ્રાર્થના
7 ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. 8 તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.

9 ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે. 10 ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો. 11 જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે.

12 પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય.

13 તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં. 14 તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી. 15 વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે.

16 તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. 17 એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ. 18 તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.

19 મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે, 20 તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.

<- યાકૂબનો પત્ર 4