Link to home pageLanguagesLink to all Bible versions on this site

યાકૂબનો પત્ર
લેખક
પત્રનો લેખક યાકૂબ છે (1:1) કે જે ઈસુ ખ્રિસ્તનો ભાઈ તથા યરુશાલેમની મંડળીનો મુખ્ય આગેવાન હતો. યાકૂબ ઈસુના ઘણા ભાઈઓમાંનો એક હતો અને કદાચને તે સૌથી મોટો ભાઈ હતો કારણ કે માથ્થી 13:55 ની યાદીમાં તેનું નામ પ્રથમ નોંધવામાં આવ્યું છે. શરૂઆતમાં તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો ન હતો અને ઈસુને પડકાર્યા પણ હતા તથા તેમની સેવા વિષે ગેરસમજણ કરી હતી (યોહાન 7:2-5). બાદમાં તે મંડળીનો અગ્રણી આગેવાન બન્યો હતો. ખ્રિસ્ત પોતાના જીવનોત્થાન બાદ પસંદ કરેલા જે વ્યક્તિઓને પ્રગટ થયા તેમાંનો તે એક હતો (1 કરિંથી 15:7) અને પાઉલે તેને મંડળીનો સ્તંભ કહ્યો હતો (ગલાતી 2:9).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 40 થી 50 ની વચ્ચેનો છે.
તે સમય ઇ.સ. 70 ના યરુશાલેમના વિનાશ તથા ઇ.સ. 50 ની યરુશાલેમ પરિષદની અગાઉનો હતો.
વાંચકવર્ગ
પત્રના વાંચકો સૌથી સંભવિત રીતે યહૂદી વિશ્વાસીઓ હતા કે જેઓ સમગ્ર યહૂદિયા તથા સમરૂનમાં વિખેરાઈ ગયેલા હતા. જો કે યાકૂબનું શરૂઆતનું અભિવાદન “દેશોમાં વિખેરાઈ ગયેલા બાર કુળો” માટે છે તો પણ, યાકૂબના મૂળ વાંચકવર્ગના સ્થળ વિષે આ બે પ્રદેશો મજબૂત શક્યતાઓ છે.
હેતુ
યાકૂબના પત્રનો વ્યાપક હેતુ 1:2-4 માં જોવા મળે છે. પ્રસ્તાવનાના શબ્દોમાં, યાકૂબ તેના વાંચકોને કહે છે કે મારા ભાઈઓ, જ્યારે તમને જાતજાતના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કારણ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષા ધીરજ ઉત્પન્ન કરે છે. આ શાસ્ત્રભાગ સૂચિત કરે છે કે યાકૂબનો શ્રોતાગણ ઘણા પ્રકારની કસોટીઓનો સામનો કરી રહ્યા હતો. યાકૂબે તેના શ્રોતાજનોને ઈશ્વર તરફથી આવતા ડહાપણની ખોજ કરવા કહ્યું (1:5) કે જેથી તેઓની કસોટીઓમાં તેઓ આનંદિત રહી શકે. તેના શ્રોતાજનોમાં કેટલાક એવા હતા કે જેઓ વિશ્વાસથી બહુ દૂર ભટકી ગયા હતા. યાકૂબે તેઓને જગતના મિત્રો બનવા વિષે ચેતવણી આપી (4:4). તેણે વિશ્વાસીઓને જીવનમાં નમ્ર બનવા દોર્યા કે જેથી ઈશ્વર તેઓને ઊંચા કરે. તેણે શીખવ્યું કે ઈશ્વર સમક્ષ નમ્રતા એ ડહાપણ પામવાનો માર્ગ છે (4:8-10).
મુદ્રાલેખ
ખરો વિશ્વાસ
રૂપરેખા
1. ખરા ધર્મ વિષે યાકૂબનો બોધ — 1:1-27
2. ખરો વિશ્વાસ ભલા કાર્યો દ્વારા પ્રદર્શિત થાય છે — 2:1-3:12
3. અધિકૃત ડહાપણ ઈશ્વર તરફથી આવે છે — 3:13-5:20

1
પ્રસ્તાવના
1 વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
વિશ્વાસ અને ડહાપણ
2 મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; 3 કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.

4 તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5 તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.

6 પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8 આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.

ગરીબ અને ધનવાન
9 જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; 10 જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. 11 કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
કસોટી અને પરીક્ષણ
12 જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે. 13 કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.

14 પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15 પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. 16 મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.

17 દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18 તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.

સાંભળવું અને અમલ કરવો
19 મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; 20 કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી. 21 માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.

22 તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. 23 કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. 24 કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. 25 પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.

26 જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે. 27 વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.

યાકૂબનો પત્ર 2 ->