8
નિશાનીરૂપ યશાયાના પુત્રનું સાંકેતિક નામ
1 યહોવાહે મને કહ્યું, “એક મોટી પાટી લઈને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ એમ કલમથી લખ.” 2 અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઉરિયા યાજક તથા બેરેખ્યાના દીકરા ઝખાર્યાની પાસે સાક્ષી કરાવીશ.”
3 પછી હું પ્રબોધિકા પાસે ગયો, તે ગર્ભવતી થઈ અને તેને દીકરો જન્મ્યો. ત્યારે યહોવાહે મને કહ્યું, “તેનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ રાખ. 4 કેમ કે બાળક રડતાં શીખે તે પહેલા, ‘મારા પિતા’ અને ‘મારી મા,’ એમ કહેવાની સમજણ આવશે તે પહેલાં દમસ્કસની સંપત્તિ અને સમરુનની લૂંટ આશ્શૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.”
આશ્શૂરનો રાજા ચઢી આવશે
5 વળી યહોવાહે ફરીથી મારી સાથે વાત કરી ને કહ્યું,
6 “કારણ કે આ લોકોએ શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે
અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે,
7 તેથી પ્રભુ તેઓ પર નદીના ધસમસતાં અને પુષ્કળ પાણીને, એટલે આશ્શૂરના રાજાને તેનાં સંપૂર્ણ ગૌરવ સાથે લાવશે.
તે તેના સર્વ નાળાં પર અને સર્વ કાંઠા પર ફરી વળશે.
8 તે યહૂદિયામાં ધસી આવશે, તે ઊભરાઈને આરપાર જશે તે ગળા સુધી ન પહોંચે ત્યાં સુધી.
તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થશે.”
9 હે વિદેશીઓ, સાંભળો, તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે:
હે દૂર દેશના લોકો તમે યુદ્ધને માટે સજ્જ થાઓ અને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ અને ભાંગીને ચૂરેચૂરા થઈ જાઓ.
10 યોજના તૈયાર કરો અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો અને તે નિષ્ફળ થશે,
કેમ કે ઈશ્વર અમારી સાથે છે.
પ્રભુ પ્રબોધકને ચેતવે છે
11 યહોવાહે પોતાના સમર્થ હાથથી મને પકડીને, મારી સાથે આ પ્રમાણે વાત કરી અને આ લોકોના માર્ગમાં ન ચાલવા માટે ચેતવણી આપી.
12 આ લોકો જેને કાવતરું કહે છે, તેને તમારે કાવતરું ન કહેવું,
જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે ગભરાવું અને ડરવું નહિ.
13 સૈન્યોના યહોવાહને તમે પવિત્ર માનો, તેમનાથી બીહો અને તેમનો જ ભય રાખો.
14 તે તમારું પવિત્રસ્થાન થશે; પણ ઇઝરાયલના બન્ને કુળને માટે, તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થશે
અને યરુશાલેમના રહેવાસીઓ માટે તે ફાંદારૂપ અને જાળરૂપ થઈ પડશે.
15 તેઓમાંના ઘણા ઠોકર ખાઈને પડશે અને છિન્નભિન્ન થઈ જશે અને જાળમાં સપડાઈ જશે.
ભૂવાઓ અને જંતરમંતર કરનારાથી દૂર રહો
16 હું મારા સાક્ષી બાંધી દઈશ*બાંધવું એનો અર્થ એ થાય છે કે વાળવું અથવા લેખને બાંધવું. આ સાક્ષી યશાયાના અગાઉના શબ્દોનો ઉલ્લેખ કરે છે, જે લેખમાં નોંધાયેલી હશે. અને સત્તાવાર વિગતોને મહોર મારીને મારા શિષ્યોને સોંપી દઈશ.
17 હું યહોવાહની રાહ જોઈશ, જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ સંતાડે છે, તેમને માટે હું રાહ જોઈશ.
18 જુઓ, હું અને યહોવાહે જે સંતાનો મને ઇઝરાયલ માં ચિહ્નો તથા અદ્દભુત કાર્યોને અર્થે આપ્યાં છે તેઓ પણ,
સૈન્યોના યહોવાહના સિયોન પર્વત પર વસે છે.
19 તેઓ તમને કહેશે, “ભૂવાઓ અને જાદુગરની પાસે જાઓ,” ધીમે અવાજે બડબડનાર જાદુગરની પાસે જઈને ખબર કાઢો. પણ શું તેઓએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? શું જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું? 20 તેથી તમારે નિયમશાસ્ત્ર અને સાક્ષી પર ધ્યાન લગાવવું! જો તેઓ આવી વાતો ન કહે, તો તેનું કારણ છે કે તેમનામાં પરોઢનો પ્રકાશ નથી.
આફતનો સમય
21 દુ:ખી તથા ભૂખ્યા થઈને તેઓ દેશમાં ભટકશે. જ્યારે તેઓ ભૂખ્યા થશે, ત્યારે તેઓ ગુસ્સે થશે
અને ઊંચે આકાશ તરફ જોઈને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે.
22 તેઓ પૃથ્વી પર નજર કરશે
અને વિપત્તિ, અંધકાર અને વેદનાની ગ્લાનિ જોશે. તેઓને ઘોર અંધકારમાં હાંકી કાઢવામાં આવશે.
<- યશાયા 7યશાયા 9 ->
- a બાંધવું એનો અર્થ એ થાય છે કે વાળવું અથવા લેખને બાંધવું. આ સાક્ષી યશાયાના અગાઉના શબ્દોનો ઉલ્લેખ કરે છે, જે લેખમાં નોંધાયેલી હશે.