Link to home pageLanguagesLink to all Bible versions on this site
62
1 જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ
ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ.
2 વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે.
અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે.
3 તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ.
4 હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ.
ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે,
કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે.
5 જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે.
જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.
6 હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે;
તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ.
યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.
7 જ્યાં સુધી તે યરુશાલેમને ફરીથી સ્થાપે અને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે,
ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહિ.
8 યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે,
“નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ.
જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.
9 કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે
અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.”
10 દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો!
બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો!
પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો.
11 જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે:
“સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે!
જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’ ”
12 તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે.

<- યશાયા 61યશાયા 63 ->