Link to home pageLanguagesLink to all Bible versions on this site
61
મુક્તિની વધામણી
1 પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે,
દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે,
બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે.
2 યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ
અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે,
3 સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ
શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે;
જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.
4 તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે; પૂર્વકાળની પાયમાલ થયેલી ઇમારતોને તેઓ ઊભી કરશે.
તેઓ નાશ થયેલ નગરોને પુનઃસ્થાપિત કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને સમારશે.
5 પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે અને પરદેશીઓના દીકરાઓ તમારાં ખેતરોમાં અને દ્રાક્ષવાડીમાં કામ કરશે.
6 તમે લોકો યહોવાહના યાજકો કહેવાશો; તેઓ તમને આપણા ઈશ્વરના સેવકો તરીકે બોલાવશે.
તમે વિદેશીઓની સંપત્તિ ખાશો અને તેમની સમૃદ્ધિમાં તમે અભિમાન કરશો.
7 તમારી લાજના બદલામાં તમને બમણું મળશે; અને અપમાનને બદલે તેઓ પોતાને મળેલા હિસ્સાથી હરખાશે.
તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે; તેઓને અનંતકાળનો આનંદ મળશે.
8 કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું.
હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.
9 તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે.
જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.
10 હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે.
કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે,
તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.
11 જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે,
તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.

<- યશાયા 60યશાયા 62 ->