Link to home pageLanguagesLink to all Bible versions on this site
60
યરુશાલેમનો ભાવિ મહિમા
1 ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.
2 જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે;
છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે.
3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.
4 તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો. તેઓ સર્વ ભેગા થઈને તારી પાસે આવે છે.
તારા દીકરાઓ દૂરથી આવશે અને તારી દીકરીઓને તેઓના હાથમાં ઊંચકીને લાવવામાં આવશે.
5 ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે,
કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
6 ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે;
તેઓ સર્વ શેબાથી આવશે;
તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે.
7 કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે;
તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ.
8 જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે?
9 દ્વીપો મારી રાહ જોશે અને તારા
ઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે,
તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે.
10 પરદેશીઓ તારા કોટને ફરીથી બાંધશે અને તેઓના રાજાઓ તારી સેવા કરશે;
જો કે મારા ક્રોધમાં મેં તને શિક્ષા કરી, છતાં મારી કૃપામાં હું તારા પર દયા કરીશ.
11 તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ,
જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.
12 ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે.
13 લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારા
પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ.
14 જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે;
તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે.
15 તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું,
તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ.
16 તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ;
ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.

17 હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી;

લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.
18 તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ;
પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે.
19 હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ,
કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ;
પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે.
20 તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ;
કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે.
21 તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ,
મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.
22 છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે;
હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.

<- યશાયા 59યશાયા 61 ->