6
યશાયાને દર્શન અને સેવાનું તેડું
1 ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. 2 તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા.
3 તેઓ એકબીજાને પોકારીને કહેતા,
“પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.”
4 પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું. 5 ત્યારે મેં કહ્યું,
“મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું
અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું,
કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!”
6 પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો. 7 તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું,
“જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપ માફ થયું છે.”
8 મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”
9 ત્યારે પ્રભુએ કહ્યું, “જા, અને આ લોકોને કહે કે,
સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.
10 આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો,
રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય.”
11 ત્યારે મેં પૂછ્યું, “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું,
“જ્યાં સુધી નગરો વસ્તી વિનાનાં
અને ઘરો માણસ વિનાનાં થાય અને ભૂમિ વેરાન થઈ જાય,
12 અને યહોવાહ આ લોકોને દૂર કરે અને આખા દેશમાં મોટો ભાગ પડતર રહે ત્યાં સુધી.
13 તે છતાં જો તેમાં લોકોનો દશમો ભાગ પણ રહે, તો તેનો ફરીથી વિનાશ કરવામાં આવશે;
જેમ એલાહવૃક્ષ કે એલોન વૃક્ષ કાપી નાખવામાં આવ્યા પછી થડ રહે છે,