58
સાચો ઉપવાસ
1 મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર,
મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો.
2 જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે,
તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે.
તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે.
3 તેઓ કહે છે, “અમે ઉપવાસ કર્યો છે પણ તમે કેમ જોયું નહિ? અમે અમારી જાતોને નમ્ર કરી, પણ કેમ તમે ધ્યાન આપ્યું નહિ?”
જુઓ, ઉપવાસને દિવસે તમે તમારા આનંદને શોધો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.
4 જુઓ, તમે ઝઘડા તથા કંકાસને માટે અને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો;
તમારી વાણી આકાશમાં સંભળાય તે માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી.
5 ખરેખર આ પ્રકારના ઉપવાસ હું ઇચ્છું છું: તે દિવસે દરેક માણસ પોતાની જાતને નમ્ર કરે,
પોતાનું માથું બરુની જેમ નમાવે અને પોતાની બેઠક નીચે ટાટ તથા રાખનું પાથરણું કરે?
શું ખરેખર તમે આને ઉપવાસ, યહોવાહનો માન્ય દિવસ કહો છો?
6 આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું:
દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં,
કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી.
7 શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી?
જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ.
8 ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે અને તારું આરોગ્ય જલદી થશે;
તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે અને યહોવાહનું ગૌરવ તારો પીઠરક્ષક થશે.
9 ત્યારે તું હાંક મારશે અને યહોવાહ ઉત્તર આપશે; તું સહાય માટે પોકાર કરશે અને તે કહેશે, “હું આ રહ્યો.”
જો તું તારામાંથી ઝૂંસરીને દૂર કરે, દોષ મૂકનારી આંગળી અને ભૂંડું બોલવાનું દૂર કરે,
10 જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે;
તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે.
11 ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશે
અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો
અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.
12 તમારામાંના ઘણા પુરાતનકાળનાં ખંડિયેર નગરોને ફરીથી બાંધશે; ઘણી પેઢીઓનાં ખંડિયેર પર તું ચણતર કરશે;
તું “કોટને સમારનાર,” “ધોરી માર્ગોનો મરામત કરનાર” કહેવાશે.
સાબ્બાથ પાળવાનો આશીર્વાદ
13 જો તું વિશ્રામવારના દિવસે મુસાફરી કરતાં તારા પગોને વાળે અને તે પવિત્ર દિવસે તારી પોતાની ખુશી માટે કાર્ય કરતા રોકશે.
જો તું સાબ્બાથને આનંદદાયક કહે અને યહોવાહના પવિત્ર દિવસને પવિત્ર અને આદરણીય માનશે.
જો તું સાબ્બાથને દિવસે પોતાનો ધંધોરોજગાર છોડીને તથા પોતાની ખુશી નહિ શોધીને તથા તારા પોતાના જ શબ્દો નહિ બોલીને માન આપશે.
14 તો તું યહોવાહમાં આનંદ પામશે; અને હું પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર તને સવારી કરાવીશ;
હું તારા પિતા યાકૂબના વારસાથી તારું પોષણ કરીશ - કેમ કે યહોવાહનું મુખ એ બોલ્યું છે.
<- યશાયા 57યશાયા 59 ->