Link to home pageLanguagesLink to all Bible versions on this site
53
1 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?
2 તે યહોવાહની સમક્ષ રોપાની જેમ ઊગી નીકળ્યો અને સૂકી ભૂમિમાં ફણગાની જેમ ફૂટી નીકળ્યો;
તેની પાસે કોઈ સૌંદર્ય કે વૈભવ ન હતા; જયારે આપણે તેને જોયો, તેનામાં આપણને આકર્ષી શકે તેવી સુંદરતા નહોતી.
3 તે માણસોથી ધિક્કારાયેલો તથા નકારાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી.
જેને જોઈને માણસો પોતાનું મુખ ફેરવી લે, એવો ધિક્કાર પામેલો તે હતો; અને આપણે તેની કદર કરી નહિ.
4 પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે;
પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો.
5 પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો.
આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.
6 આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ
અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે.
7 તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;
જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,
તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.
8 જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને અપરાધી ઠરાવવામાં આવ્યો; તેની પેઢીનાં માણસોમાંથી કોણે તેના વિષે કંઈ વિચાર કર્યો?
પણ તેને જીવતાઓની ભૂમિમાંથી કાપી નાખવામાં આવ્યો; મારા લોકોના અપરાધોને લીધે તેને શિક્ષા થઈ.
9 તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો,
તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું.
10 તોપણ યહોવાહની મરજી તેને ઘાયલ કરીને કચરવાની હતી; જો તમે લોકો તેના જીવનને પાપનું બલિદાન બનાવો,
તો તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને યહોવાહનો હેતુ તેના દ્વારા સફળ થશે.
11 તે પોતાના આત્માનાં કષ્ટનું ફળ જોશે અને તેના ડહાપણથી સંતોષ પામશે.
મારો ન્યાયી સેવક ઘણાનો ઇનસાફ કરશે; અને તેઓના અપરાધો પોતાને માથે લઈ લેશે.
12 તેથી હું તેને મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને તે લૂંટ ઘણાની સાથે લૂંટ વહેંચશે,
કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો અને તેની ગણતરી અપરાધીઓમાં થઈ.
તેણે ઘણાંઓનાં પાપ માથે લીધાં અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.

<- યશાયા 52યશાયા 54 ->