Link to home pageLanguagesLink to all Bible versions on this site
34
ઈશ્વર શત્રુઓને શિક્ષા કરશે
1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો!
પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો.
2 કેમ કે સર્વ પ્રજાઓ પર અને તેના સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે;
તેમણે તેમનો સંપૂર્ણ નાશ કર્યો છે, તેઓને સંહારને આધીન કર્યા છે.
3 તેમના મારી નંખાયેલા નાખી દેવામાં આવશે; અને તેમના મૃતદેહો દુર્ગંધ મારશે,
અને પર્વતો તેમના રક્તથી ઢંકાઈ જશે.
4 આકાશના સર્વ તારાઓ ખરી પડશે,
અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે
જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે.
5 કેમ કે મારી તલવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે,
જુઓ, હવે તે અદોમ અને આ લોકોનો નાશ કરવાને તેમના ઉપર ઊતરશે.
6 યહોવાહની તલવાર રક્તથી અને મેદથી,
જાણે હલવાન તથા બકરાંના રક્તથી, બકરાના ગુરદાનાં મેદથી તરબોળ થયેલી છે.
કેમ કે, બોસરામાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ થયેલી છે.
7 જંગલના ગોધાઓ, બળદો અને વાછરડાઓ એ બધાની કતલ એકસાથે થશે.
તેઓની ભૂમિ રક્તથી તરબોળ થશે અને તેઓની ધૂળ મેદથી મિશ્રિત થશે.
8 કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.
9 અદોમનાં નાળાંઓ ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થઈ જશે,
અને તેની ભૂમિ બળતો ડામર થશે.
10 તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે;
તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.
11 પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે.
અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.
12 તેના ધનિકોની
પાસે રાજ્ય કહેવાને માટે કશું હશે નહિ અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે.
13 તેના રાજમહેલોમાં કાંટા અને તેના કિલ્લાઓમાં કૌવચ અને ઝાંખરાં ઊગશે.
ત્યાં શિયાળોનું રહેઠાણ અને ત્યાં શાહમૃગનો વાડો થશે.
14 ત્યાં જંગલનાં પ્રાણીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલનાં બકરાઓ એકબીજાને પોકારશે.
નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે અને પોતાને માટે વિશ્રામસ્થાન બનાવશે.
15 ઘુવડો ત્યાં માળો બાંધશે, ઈંડાં મૂકશે અને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે.
હા, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
16 યહોવાહના પુસ્તકમાં શોધ કરો; તેઓમાંથી એક પણ બાકી રહેશે નહિ.
કોઈપણ પોતાના સાથી વિનાનું માલૂમ પડશે નહિ, કેમ કે તેમના મુખે આ આજ્ઞા આપી છે અને તેમના આત્માએ તેઓને એકઠાં કર્યાં છે.
17 તેમણે તેઓના માટે ચિઠ્ઠી નાખી છે અને તેમના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે;
તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે; પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.

<- યશાયા 33યશાયા 35 ->