29
યરુશાલેમ પર ઝઝૂમતી આફત
1 અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ!
એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો.
2 પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે;
અને તે મારી આગળ વેદી જેવું જ થશે.
3 હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ
અને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ અને તારી સામે મોરચા ઊભા કરીશ.
4 તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે.
તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.
5 વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને દુષ્ટોનું સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે.
હા, તે અચાનક અને પળવારમાં થશે.
6 સૈન્યોના યહોવાહ
મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે.
7 જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે;
એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે,
તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે.
8 જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે.
જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે.
તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.
ઇઝરાયલી પ્રજાનો અંધાપો અને પાખંડ
9 વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ!
ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ.
10 કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે.
તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે.
11 આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા પુસ્તકના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, “આ વાંચ.” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે.” 12 પછી તે પુસ્તક અભણને આપવામાં આવે છે અને તેને કહે છે, “આ વાંચ,” તે કહે છે, “મને વાંચતા આવડતું નથી.”
13 પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે
અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે.
તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે.
14 તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું.
તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે.
ઉજળા ભાવિની આશા
15 જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે
અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ!
16 તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય,
એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,”
અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?”
17 થોડી જ વારમાં,
લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે.
18 તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશે
અને અંધની આંખો ગહન અંધકારમાં જોશે.
19 દીનજનો યહોવાહમાં આનંદ કરશે
અને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે.
20 કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે,
21 તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે.
તેને માટે જાળ બિછાવે છે
તેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે.
22 તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે:
“યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ.
23 પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે.
તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.