Link to home pageLanguagesLink to all Bible versions on this site
17
ઈશ્વર અરામ અને ઇઝરાયલનો વિનાશ કરશે
1 દમસ્કસ વિષે ઈશ્વરવાણી.
જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે. 2 અરોએરનાં નગરો ત્યજી દેવામાં આવશે,
તેઓ ઘેટાંનાં ટોળાને માટે સૂવાનું સ્થાન થશે અને કોઈ તેમને ડરાવશે નહિ.
3 એફ્રાઇમમાંથી કિલ્લાવાળાં નગરો અને દમસ્કસમાંથી રાજ્ય અદ્રશ્ય થશે
અને અરામના શેષનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું થશે, સૈન્યોના યહોવાહનું આ વચન છે.
4 “તે દિવસે યાકૂબની વૈભવમાં કમી થશે અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.
5 કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલા ભાંગે છે, તે પ્રમાણે થશે;
રફાઈમના નીચાણના પ્રદેશમાં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.
6 પણ ઝુડાયેલાં જૈતૂન વૃક્ષ પ્રમાણે, તેમાં કંઈ વીણવાનું બાકી રહેશે:
ટોચની ડાળીને છેડે બે ત્રણ ફળ, ઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ રહી જશે” ઇઝરાયલના ઈશ્વર યહોવાહનું આ વચન છે.
7 તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નિહાળશે અને તેઓની નજર ઇઝરાયલના પવિત્રની તરફ જોશે.

8 પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બનાવ્યું તેને, એટલે અશેરીમના સ્તંભોને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.

9 તે દિવસે તેઓનાં કિલ્લેબંદીવાળાં નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની
જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તે ઉજ્જડ થઈ જશે.
10 કેમ કે તું પોતાના તારણમાં ઈશ્વરને ભૂલી ગયો છે, અને તારું રક્ષણ કરનાર ખડકનું સ્મરણ કર્યું નથી;
તેથી તું સુખદ રોપા રોપે છે અને તેમાં વિદેશી કલમ મેળવે છે.
11 તે જ દિવસે તું રોપે છે અને વાડ કરે છે અને ખેતી કરે છે, થોડા જ સમયમાં તારા બીજ ખીલી ઊઠે છે;
પણ શોક તથા અતિશય દુઃખને દિવસે તેનો પાક લોપ થઈ જશે.
દુશ્મન પ્રજાઓનું પતન
12 અરે, ઘણા લોકોનો સમુદાય, સમુદ્રની ગર્જનાની જેમ ગર્જે છે;
અને લોકોનો ઘોંઘાટ, પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ તેઓ ઘોંઘાટ કરે છે!
13 લોકો પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ ઘોંઘાટ કરશે,
પણ ઈશ્વર તેઓને ઠપકો આપશે, તેઓ દૂર નાસી જશે
અને પવનની સામે પર્વત પર ફોતરાંની જેમ અને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.
14 સંધ્યા સમયે, ભય જણાશે! અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે;
આ અમારા લૂંટનારનો ભાગ છે, અમને લૂંટનાર ઘણા છે.

<- યશાયા 16યશાયા 18 ->