Link to home pageLanguagesLink to all Bible versions on this site
10
1 જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અયોગ્ય ઠરાવ પસાર કરે છે, તેઓને અફસોસ.
2 તેઓ ગરીબોને ઇનસાફથી વંચિત કરે છે અને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓના અધિકારો છીનવી લે છે.
વિધવાઓને લૂંટે છે અને અનાથોને પોતાનો શિકાર બનાવે છે!
3 ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો?
તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો?
4 બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની નીચે પડી રહ્યા વગર, કંઈ બાકી રહેશે નહિ.
આ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી; અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
ઈશ્વરના હાથમાં હથિયાર-આશ્શૂરનો રાજા
5 આશ્શૂરને અફસોસ, તે મારા રોષનો દંડ અને લાકડી છે તેનાથી હું મારો કોપ કાબૂમાં રાખું છું!
6 અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ.
હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.
7 પરંતુ તેના આવા ઇરાદા નથી કે તે આવો વિચાર કરતો નથી,
વિનાશ કરવાનો અને ઘણી પ્રજાઓનો સંહાર કરવો તે જ તેના મનમાં છે.
8 કેમ કે તે કહે છે, “મારા સર્વ રાજકુમારો રાજા નથી?
9 કાલ્નો કાર્કમીશ જેવું નથી?
હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?
10 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે;
11 અને જેમ સમરુનને તથા તેની નકામી મૂર્તિઓને મેં કર્યું,
તેમ યરુશાલેમને તથા ત્યાંની મૂર્તિઓને શું હું નહિ કરું?”

12 જ્યારે પ્રભુ યહોવાહ સિયોન પર્વત પર અને યરુશાલેમમાં પોતાનું કામ પૂરું કરશે, તે કહેશે: “હું આશ્શૂરના રાજાના હૃદયની અભિમાની વાણીને તથા તેના ઘમંડી દેખાવને શિક્ષા કરીશ.” 13 કેમ કે તે કહે છે,

“મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે,
મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે,
અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે.
14 વળી પક્ષીઓના માળાની જેમ દેશોની સંપત્તિ મારે હાથ આવી છે
અને જેમ તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેમ મેં આખી દુનિયા એકઠી કરી છે.
પાંખ ફફડાવે, મુખ ઉઘાડે કે ચીંચીં કરે, એવું કોઈ નથી.”

15 શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ મારશે? શું કરવત તેના વાપરનારની પર સરસાઈ કરશે?

શું લાકડી તેને પકડનારને ઉઠાવે અને લાકડું માણસને ઉઠાવે તેમ એ છે.
16 તે માટે સૈન્યોના પ્રભુ યહોવાહ તેના બળવાન યોદ્ધાઓમાં નિર્બળતા મોકલશે;
અને તેના મહિમામાં સળગતી અગ્નિના જેવી જ્વાળા પ્રગટાવાશે.
17 ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, તેના પવિત્ર તે જ્વાળારૂપ થશે;
તે એક દિવસમાં તેના કાંટા અને ઝાંખરાંને બાળીને ગળી જશે.
18 યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે;
તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે.
19 તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.
થોડાક પાછા આવશે
20 તે દિવસે, ઇઝરાયલનો શેષ, યાકૂબના વંશજોમાંથી બચેલા પોતાને હરાવનાર પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ, પણ યહોવાહ જે ઇઝરાયલના પવિત્ર છે, તેમના પર તેઓ આધાર રાખતા થશે. 21 બાકી રહેલા યાકૂબના વંશજો સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછા આવશે.

22 હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે. 23 કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહ, આખા દેશનો વિનાશ, હા નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.

ઈશ્વર આશ્શૂરને સજા કરશે
24 તેથી પ્રભુ યહોવાહ કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, તમે આશ્શૂરથી બીતા નહિ. તે લાકડીથી તમને મારશે અને પોતાની સોટી તમારા પર મિસરની જેમ ઉગામશે. 25 તેનાથી બીશો નહિ, કારણ કે થોડા જ સમયમાં તમારી વિરુદ્ધ મારો ક્રોધ સમાપ્ત થશે અને મારો ક્રોધ તેઓનો વિનાશ કરશે.”

26 જેમ ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો તે રીતે સૈન્યોના યહોવાહ તેઓની વિરુદ્ધ ચાબુક ઉગામશે. તેમની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી, તેમ તેઓ પર ઉગામવામાં આવશે. 27 તે દિવસે,

તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે,
અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.
આક્રમણકારની આગેકૂચ
28 તારો શત્રુ આયાથ આવી પહોંચ્યો છે,
તે મિગ્રોન થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.
29 તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે;
રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.
30 હે ગાલ્લીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ!
હે અનાથોથ, તેને જવાબ આપ.
31 માદમેના નાસી જાય છે
અને ગેબીમના રહેવાસીઓ જીવ બચાવવા ભાગે છે.
32 આજે જ તે નોબમાં મુકામ કરશે
અને સિયોનની દીકરીના પર્વતની સામે, યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુઠ્ઠી ઉગામશે.
33 પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ, ડાળીઓને ભયાનક રીતે સોરી નાખશે;
તે ઊંચા ઝાડને કાપી નાખશે અને મોટા કદનાં વૃક્ષોને નીચાં કરવામાં આવશે.
34 તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે.

<- યશાયા 9યશાયા 11 ->