Link to home pageLanguagesLink to all Bible versions on this site

યશાયા
લેખક
યશાયાના પુસ્તકનું નામ તેના લેખક પરથી પાડવામાં આવ્યું છે કે જે એક પ્રબોધિકાને પરણ્યો હતો કે જેણે ઓછામાં ઓછા બે દીકરાઓને જન્મ આપ્યો હતો. (યશાયા 7:3; 8:3). તેણે યહૂદાના ચાર રાજાઓના રાજ્યકાળ દરમ્યાન પ્રબોધ કર્યો હતો અને સંભવિત છે કે પાંચમા રાજા એટલે કે દુષ્ટ મનાશ્શા રાજાના સમયમાં મરણ પામ્યો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 740 થી 680 વચ્ચેનો છે.
આ પુસ્તક યોથામ, આહાઝ અને હિઝિકયા રાજાઓના સમયકાળ દરમ્યાન તથા ઉઝિયા રાજાના રાજ્યકાળના અંત સમય દરમ્યાન લખવામાં આવ્યું હતું.
વાંચકવર્ગ
યશાયાએ સંબોધિત કરેલ મુખ્ય વાંચકવર્ગ યહૂદાના લોકો હતા કે જેઓ ઈશ્વરના નિયમ અનુસાર જીવવામાં નિષ્ફળ ગયા હતા.
હેતુ
યશાયાનો હેતુ આપણને સમગ્ર જૂના કરારમાં ઈસુ ખ્રિસ્તનું ભવિષ્યસૂચક ચિત્ર આપવાનું છે. તેમાં ઈસુના જીવનનું સંપૂર્ણ સીમાક્ષેત્ર સમાવિષ્ટ છે: તેમના આગમનની જાહેરાત (40:3-5), તેમનો કુંવારીને પેટે જન્મ (7:14), તેમની શુભસંદેશની ઘોષણા (61:1), તેમનું બલિદાન તરીકેનું મૃત્યુ (52:13 - 53:12), અને પોતાના લોકોને લેવા તેમનું પાછા આવવું (60:2-3). યશાયા પ્રબોધકને મૂળભૂત રીતે યહૂદાના રાજ્યને પ્રબોધ કરવા તેડવામાં આવ્યો હતો. યહૂદા જાગૃતિના સમયો અને બળવાના સમયોમાંથી પસાર થઈ રહ્યું હતું. આશ્શૂર તથા મિસર યહૂદાનો નાશ કરવાની ધમકી આપતા હતા પણ તેને ઈશ્વરની દયાને કારણે બચાવવામાં આવ્યું હતું. યશાયાએ પાપનો પશ્ચાતાપ તથા ભવિષ્યમાં ઈશ્વરના છૂટકારાની આશાસ્પદ અપેક્ષાનો સંદેશ ઘોષિત કર્યો.
મુદ્રાલેખ
ઉદ્ધાર
રૂપરેખા
1. યહૂદાને ફિટકાર — 1:1-12:6
2. બીજા દેશો વિરુદ્ધનો ફિટકાર — 13:1-23:18
3. ભવિષ્યનો વિપત્તિકાળ — 24:1-27:13
4. ઇઝરાયલ તથા યહૂદાને ફિટકાર — 28:1-35:10
5. હિઝકિયા અને યશાયાનું ઇતિહાસ — 36:1-38:22
6. બાબિલનું પૃષ્ઠભૂમિ — 39:1-47:15
7. ઈશ્વરની શાંતિ માટેની યોજના — 48:1-66:24

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.

પ્રજાને પ્રભુનો ઠપકો
2 હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે:
“મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
3 બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકની ગભાણને ઓળખે છે,
પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”
4 ઓહ! પ્રજાઓ, પાપીઓ, અપરાધોથી લદાયેલા લોકો,
હે ખોટું કરનારનાં સંતાનો, હે સ્વછંદી સંતાનો!
તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, ઇઝરાયલના પવિત્રને ધિક્કાર્યા છે.
તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.
5 શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો?
આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.
6 પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી;
ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે;
તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.
7 તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે;
તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે -
તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.
8 સિયોનની દીકરી દ્રાક્ષવાડીના માંડવા જેવી,
કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
9 જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત,
તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
10 હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો;
હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:
11 યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?”
“હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું;
અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.
12 જયારે તમે મારી સંમુખ આવો છો,
ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?
13 તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે;
ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.
14 તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે;
તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.
15 તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ.
જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી;
કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.
16 સ્નાન કરો અને શુદ્ધ થાઓ;
મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો;
ભૂંડું કરવું બંધ કરો;
17 સારું કરતા શીખો;
ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો,
અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”
18 યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ”
“તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે;
જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.
19 જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;
20 પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,”
કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
અધર્મનગરી
21 વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે!
તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું,
પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.
22 તારી ચાંદી ભેળસેળવાળી થઈ ગઈ છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે.
23 તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે;
તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે;
તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.
24 તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે:
“તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;
25 તારા પર હું મારો હાથ ઉગામીશ,
તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ.
26 આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ;
ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે.”
27 સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.
28 પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે.
29 “કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો
અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો.
30 જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે,
અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો.
31 વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે;
તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”

યશાયા 2 ->