5
1 “હે યાજકો, તમે આ સાંભળો.
હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો.
હે રાજકુટુંબ તું સાંભળ.
કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે.
મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા,
તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
2 બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે,
પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું.
3 હું એફ્રાઇમને ઓળખું છું,
ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી.
કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે;
ઇઝરાયલ અપવિત્ર છે.
મૂર્તિપૂજા સામે હોશિયાની ચેતવણી
4 તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે,
કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે,
તેઓ યહોવાહને જાણતા નથી.
5 ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે;
ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે;
યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.
6 તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે,
પણ તે તેઓને મળશે નહિ,
કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
7 તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે,
કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે.
હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
યહૂદિયા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ
8 ગિબયાહમાં શિંગ તથા
રામામાં રણશિંગડું વગાડો.
બેથ-આવેનમાં ભયસૂચક વગાડો:
‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’
9 શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે.
જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.
10 યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે.
હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
11 એફ્રાઇમ કચડાઈ ગયો છે,
તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે,
કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,
12 તેથી હું એફ્રાઇમને ઉધાઈ સમાન,
યહૂદિયાના લોકોને સડારૂપ છું.
13 જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ,
અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો,
ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને
મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો.
પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે,
તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
14 કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ,
યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ.
હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ;
હું તેમને પકડી લઈ જઈશ,
તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.
15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે;
પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે,