Link to home pageLanguagesLink to all Bible versions on this site
4
ઇઝરાયલ સામે પ્રભુનું દોષારોપણ
1 હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો.
આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે,
કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.
2 શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી.
લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.
3 તેથી દેશ વિલાપ કરશે,
તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે
જંગલી પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ
સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.
યાજકોનો ભ્રષ્ટાચાર
4 પણ કોઈએ દલીલ કરવી નહિ;
તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ.
હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.
5 હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે;
તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે,
હું તારી માતાનો નાશ કરીશ.
6 મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે,
કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે
તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ.
કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે,
એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
7 જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ,
તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા.
હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.
8 તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે;
તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.
9 લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે.
હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ
તેઓનાં કામનો બદલો આપીશ.
10 તેઓ ખાશે પણ ધરાશે નહિ,
તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ,
કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.
લોકોની મૂર્તિપૂજારૂપી ભ્રષ્ટાચાર
11 વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.
12 મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે,
તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે.
કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે,
તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.
13 તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે;
ડુંગરો પર,
એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે.
તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે,
તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
14 જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે,
કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ.
કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે[a],
દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે.
આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
15 હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે,
પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ.
તમે લોકો ગિલ્ગાલ જશો નહિ;
બેથ-આવેન પર ચઢશો નહિ.
અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ.
16 કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે.
પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.
17 એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે.
તેને રહેવા દો.
18 મદ્યપાન કરી રહ્યા પછી,
તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે;
તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.
19 પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે;
તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.

<- હોશિયા 3હોશિયા 5 ->