Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 એ માટે આપણે ડરવું જોઈએ એમ ન થાય, કે તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું આશાવચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઈ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય. 2 કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.

3 આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે, ‘મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ,’ જોકે કે કામો તો સૃષ્ટિના આરંભથી પૂર્ણ થયેલાં હતાં. 4 કેમ કે સાતમા દિવસ વિષે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે, ‘સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી વિશ્રામ લીધો.’ ” 5 અને એ જ જગ્યાએ તે ફરી કહે છે કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’ ”

6 તેથી કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી રહેલું છે અને જેઓને પહેલી સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, તેઓએ આજ્ઞાભંગ કર્યો. તેથી તેઓ પ્રવેશ પામી શક્યા નહિ, 7 માટે એટલી બધી વાર પછી ફરી નીમેલો દિવસ ઠરાવીને જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે, જો ‘આજે તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાં હૃદયોને કઠણ ન કરો.’ ”

8 કેમ કે જો યહોશુઆએ તેઓને તે વિશ્રામ આપ્યો હોત, તો તે પછી બીજા દિવસ સંબંધી ઈશ્વરે કહ્યું ન હોત. 9 એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે. 10 કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં કામોથી વિશ્રામ લીધો તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે, તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે. 11 એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવાને ખંતથી યત્ન કરીએ કે, એમ ન થાય કે આજ્ઞાભંગના એ જ ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.

12 કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે. 13 ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

ઈસુ અજોડ પ્રમુખયાજક
14 તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. 15 કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. 16 એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

<- હિબ્રૂઓને પત્ર 3હિબ્રૂઓને પત્ર 5 ->