Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
ઈસુ મૂસા કરતાં ચઢિયાતા
1 એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો. 2 જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા. 3 કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે. 4 કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.

5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.

ઈશ્વરના લોકો માટે વિશ્રામ
7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો, 8 તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

9 ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં. 10 એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ. 11 માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”

12 હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.

14 કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ. 15 કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

16 કેમ કે તે વાણી સાંભળ્યાં છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ? 17 વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં? 18 જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’ 19 આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.

<- હિબ્રૂઓને પત્ર 2હિબ્રૂઓને પત્ર 4 ->