Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
મહાન ઉદ્ધાર
1 તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.

2 કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો, 3 તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી. 4 ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.

ઈસુ એકમાત્ર ઉદ્ધારક
5 કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી. 6 પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો?

7 તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે. 8 તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.

9 પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ. 10 કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.

11 કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી. 12 તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.

13 હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”

14 જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે. 15 અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.

16 કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે. 17 એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.

<- હિબ્રૂઓને પત્ર 1હિબ્રૂઓને પત્ર 3 ->