Link to home pageLanguagesLink to all Bible versions on this site
13
ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરી શકાય
1 ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો. 2 પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

3 બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો. 4 લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

5 દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’ ” 6 તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

7 જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

9 તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી. 10 આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી. 11 કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.

12 એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું. 13 તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ. 14 કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.

15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. 16 ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે. 17 તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.

18 તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ. 19 તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.

અંતિમ પ્રાર્થના
20 હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, 21 તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
છેલ્લાં શબ્દો
22 ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે. 23 તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.

24 તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.

25 તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.

<- હિબ્રૂઓને પત્ર 12