5 એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. 6 દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા. 7 ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.
8 ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા. 9 ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે. 10 તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી. 12 પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. 13 હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. 14 કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.
15 પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે, 16 ‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’ ”
17 પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’ ”
18 હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.
23 આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે. 24 પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25 જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
26 કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, 27 પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.
28 જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી. 29 તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
30 કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’ ” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ. 31 જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.
32 પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી, 33 પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો. 34 કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.
35 એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો. 36 કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37 કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.
38 પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.
39 પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.
<- હિબ્રૂઓને પત્ર 9હિબ્રૂઓને પત્ર 11 ->