Link to home pageLanguagesLink to all Bible versions on this site

હાગ્ગાય
લેખક
હાગ્ગાય 1:1 માં પ્રબોધક હાગ્ગાયને લેખક તરીકે ઓળખાવે છે. હાગ્ગાય પ્રબોધકે યરુશાલેમના યહૂદી લોકોને આપેલા ચાર સંદેશાઓને નોંધ્યા છે. હાગ્ગાય 2:3 સૂચિત કરતું લાગે છે કે પ્રબોધકે ભક્તિસ્થાનના વિનાશ અને દેશનિકાલ અગાઉના યરુશાલેમને જોયું હતું, જેનો અર્થ એ થાય છે કે તે પોતાના લોકો દેશનિકાલની રાખમાંથી પાછા ઊઠે અને રાષ્ટ્રો માટે ઈશ્વરનો પ્રકાશ હોવાનું ન્યાયપૂર્ણ સ્થાન પાછું ધારણ કરે તે જોવાની પ્રબળ ઇચ્છા ધરાવતો, પોતાના રાષ્ટ્રનું ગૌરવ યાદ કરતો એક પુખ્ત વ્યક્તિ અને પ્રબોધક હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 520 ની આસપાસનો છે.
આ દેશનિકાલ બાદનું પુસ્તક છે જેનો અર્થ એ થાય છે કે તે બાબિલના બંદીવાસ (દેશનિકાલ) પછી લખાયું હતું.
વાંચકવર્ગ
યરુશાલેમમાં રહેતા લોકો તથા બંદીવાસથી પાછા ફરેલા લોકો.
હેતુ
પાછા ફરેલા શેષને તેમના દેશમાં પાછા ફરવાના નિષ્ક્રિય સંતોષમાંથી આરાધના અને ભક્તિસ્થાનને રાષ્ટ્રના મુખ્ય લક્ષ તરીકે ફરી બાંધવાનો પ્રયાસ કરવા દ્વારા વિશ્વાસની અભિવ્યક્તિ તરફ વળવા ઉત્તેજન આપવું. તેઓને ઉત્તેજન આપવું કે જ્યારે તેઓ ભક્તિસ્થાનને ફરી બાંધવા આગળ વધે ત્યારે ઈશ્વર તેમને તથા તેમના દેશને આશીર્વાદ આપશે. પાછા ફરેલા શેષને ઉત્તેજન આપવું કે તેમણે ભૂતકાળમાં બળવો કર્યો હતો તે છતાં યહોવાહ પાસે તેમના માટે ભવિષ્યમાં મહત્ત્વનું સ્થાન છે.
મુદ્રાલેખ
ભક્તિસ્થાનનું પુનઃનિર્માણ.
રૂપરેખા
1. ભક્તિસ્થાન નિર્માણ કરવાનું તેડું — 1:1-15
2. ઈશ્વરમાં હિંમત — 2:1-9
3. જીવનની શુદ્ધતા માટે તેડું — 2:10-19
4. ભવિષ્ય માટે આશા રાખવાનું તેડું — 2:20-23

1
મંદિર ફરીથી બાંધવા પ્રભુનો હુકમ
1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના પહેલા દિવસે, યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆ પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે, 2 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે, “આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી.”

3 ત્યારે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,

4 “જયારે આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે,
ત્યારે તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?”
5 માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે,
‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!
6 “તમે ઘણું વાવ્યું છે, પણ થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ;
તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી;
જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!’
7 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે,
‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!
8 પર્વતો પર જાઓ, લાકડાં લાવો, મારું સભાસ્થાન બાંધો;
તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ!’
9 તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું.
શા માટે?’
‘કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.
10 તમારે કારણે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની ઊપજ બંધ થઈ ગઈ છે.
11 હું દેશ પર, પર્વતો પર, અનાજ પર,
દ્રાક્ષારસ, તેલ તથા પૃથ્વીની ફસલ પર,
માણસો પર અને પશુઓ પર તથા તારા હાથનાં બધાં કામો પર દુકાળ લાવીશ એવી મેં આજ્ઞા કરી છે.’ ”
લોકો પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે છે
12 ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ તથા તેઓના બાકી રહેલા લોકોએ યહોવાહ તેઓના ઈશ્વરનો અવાજ તથા યહોવાહ તેઓના ઈશ્વરે મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો પાળ્યા. અને લોકો યહોવાહના મુખથી ડરી ગયા. 13 પછી યહોવાહના સંદેશવાહક હાગ્ગાયે યહોવાહનો સંદેશો લોકોને આપીને કહ્યું કે, “હું તમારી સાથે છું’ આ યહોવાહની ઘોષણા છે!”

14 ત્યારે યહોવાહે યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું તેથી તેઓએ જઈને પોતાના ઈશ્વર સૈન્યોના યહોવાહના ઘરમાં કામ શરૂ કર્યું. 15 તે દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના ચોવીસમાં દિવસે હતું.

હાગ્ગાય 2 ->