Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
જળપ્રલયનો અંત
1 ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું. 2 જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો. 3 જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.

4 સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું. 5 પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.

6 ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી. 7 તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.

8 પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું, 9 પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.

10 બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું. 11 કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે. 12 તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.

13 નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી. 14 બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.

15 પછી ઈશ્વરે નૂહને કહ્યું કે, 16 “તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો. 17 વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે.”

18 તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં. 19 દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.

નૂહ યહોવાહની સ્તુતિ કરે છે
20 નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં. 21 યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું. 22 પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.”

<- ઉત્પત્તિ 7ઉત્પત્તિ 9 ->