તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે;
તેઓ યૂસફના શિર પર રહેશે,
આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.
27 બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે:
સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.”
28 એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં. 29 પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, “હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે, 30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.
31 ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે. 32 એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં.” 33 જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.