Link to home pageLanguagesLink to all Bible versions on this site

ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર
લેખક
આ પત્રનો લેખક પાઉલ પ્રેરિત છે. શરૂઆતની મંડળીની આ જ સર્વસંમત સમજ હતી. લઘુ-આસિયાના પ્રદેશમાં તેની પ્રથમ મિશનરી મુસાફરી દરમ્યાન મંડળીઓ શરૂ કરવામાં ભાગ લીધા બાદ પાઉલે આ પત્ર દક્ષિણ ગલાતિયામાંની મંડળીઓએ લખ્યો હતો. ગલાતિયા રોમ કે કરિંથની જેમ કોઈ શહેર ન હતું, પણ ઘણા શહેરો તથા અસંખ્ય મંડળીઓ ધરાવતો એક રોમન પ્રાંત હતો. ગલાતીઓ કે જેમને આ પત્ર સંબોધવામાં આવ્યો છે તેઓને પાઉલે ખ્રિસ્તી શિષ્યો બનાવ્યા હતા.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 68 ની આસપાસનો છે.
પાઉલે કદાચને આ પત્ર અંત્યોખથી લખ્યો હશે કારણ કે તે તેનું વતન હતું.
વાંચકવર્ગ
ગલાતીઓને પત્ર ગલાતિયામાંની મંડળીઓના સભ્યોને લખાયો હતો (1:1-2).
હેતુ
આ પત્રનો હેતુ યહૂદીકરણના હિમાયતીઓની જૂઠી સુવાર્તાનું ખંડન કરવાનો હતો જેમાં આ યહૂદી ખ્રિસ્તીઓ માનતા હતા કે ઉદ્ધાર માટે સુન્નત એક આવશ્યક બાબત છે, અને ગલાતીઓને તેમના ઉદ્ધારનો વાસ્તવિક પાયો યાદ કરવવાનો હતો. પાઉલે આનો પ્રતિભાવ પોતાનો પ્રેરિત તરીકેનો અધિકાર સ્પષ્ટ રીતે સાબિત કરીને તથા તેના દ્વારા જે સુવાર્તા તેણે આપી હતી તેને સાબિત કરીને આપ્યો. લોકોને કૃપા દ્વારા અને માત્ર વિશ્વાસ કરવાથી જ ન્યાયી ઠરાવવામાં આવે છે અને તેઓએ પોતાનું નવું જીવન પવિત્ર આત્માની સ્વતંત્રતામાં માત્ર વિશ્વાસ દ્વારા જ જીવવાનું છે.
મુદ્રાલેખ
ખ્રિસ્તમાં સ્વતંત્રતા
રૂપરેખા
1. પ્રસ્તાવના — 1:1-10
2. સુવાર્તાનું પ્રમાણીકરણ — 1:11-2:21
3. વિશ્વાસ દ્વારા ન્યાયીકરણ — 3:1-4:3
4. વિશ્વાસ અને સ્વતંત્રતાના જીવનનું પાલન — 5:1-6:18

1
ગલાતીઓની મંડળીને પાઉલનો પત્ર
1 હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું. 2 હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.

3 ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો, 4 જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. 5 ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

એક જ સુવાર્તા
6 મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો. 7 એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.

8 પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9 જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 10 તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.

પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યો
11 પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી. 12 કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.

13 હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો. 14 અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો.

15 પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું 16 કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ, 17 કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.

18 ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો; 19 પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો. 20 જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.

21 પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. 22 અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી. 23 તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. 24 મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.

ગલાતીઓને પત્ર 2 ->